જૂનાગઢ,તા.રર
જૂનાગઢ બી ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે, ગેસના ટેન્કરમાં દારૂ ભરી જૂનાગઢના જીઆઈડીસી વિસ્તારમાં કટિંગ કરવામાં આવશે. જેના પગલે જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભસિંઘ, ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન, બી ડિવિઝન, તાલુકા પોલીસ સ્ટેશનના સ્ટાફે જૂનાગઢ હાઈવે ઉપર વોચ ગોઠવી હતી.
આ દરમિયાન જૂનાગઢ-જેતપુર રોડ ઉપર ઈન્ડિયન ગેસ લખેલ ટેન્કર આરજે-૧૯-જીબી-૯ર૧૯ પાર્ક કરેલું નજરે પડ્યું હતું. પોલીસે તપાસ કરતાં ડ્રાઈવર કે ક્લિનર મળી આવ્યા ન હતાં. તપાસ દરમિયાન ટેન્કરની અંદર દારૂ હોવાનું બહાર આવતાં ટેન્કર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવેલ હતું. ટેન્કરનું પાછળનું ઢાંકણું ખોલી તેમાંથી દારૂની પેટી બહાર કાઢી હતી. પોલીસે વિદેશી દારૂની કુલ પેટી ૧,૦૪૧ બોટલ નંગ ૧ર,પ૦૪ મળી કિંમત રૂા.પ૩,પર,૬૬૦નો દારૂ તથા ટેન્કર મળી કુલ રૂા.૬૮,પર,૬૬૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
જ્યારે ડ્રાઈવર અને ક્લિનર સામે ફરિયાદ નોંધી તેમની શોધખોળ આદરી હતી.