(સંવાદદાતા દ્વારા)
જૂનાગઢ, તા.૧૧
જૂનાગઢ મનપાની આરોગ્ય ટીમે શહેરમાં આવેલ બરફના બે કારખાનામાં ચેકિંગ હાથ ધર્યું હતું. ચેકિંગ દરમિયાન અત્યંત દૂષિત પાણીમાંથી બરફ બનતો હોવાનું જાણવા મળતા તાત્કાલિક ધોરણે બંને કારખાનાને સીલ મારી દેવામાં આવ્યા હતા. લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર બંને કારખાનેદારોને મનપાએ કડક તાકીદ પણ કરી છે. જો કે, છેલ્લા ર૦ વર્ષથી ચાલતા આ કારખાના સામે કદી તંત્રએ ચેકિંગ કામગીરી જ કરી ન હતી. પરિણામે લોલમલોલ ચાલતું હતું. જૂનાગઢમાં ઉનાળાની કાળઝાળ ગરમીના કારણે બરફના વેચાણમાં ભારે ઊછાળો આવ્યો છે. શહેરમાં ગલીએ ગલીએ સોડા શરબતની રેકડીઓ તેમજ બિલાડીના ટોપની જેમ શેરડી અને કેરીનો રસ વેચનારા ફૂટી નીકળ્યા છે. આ બધાની માગ વધતા કારખાનેદારો બરફ બનાવી તેને સપ્લાય કરતા હતા. પરંતુ નીતિ નિયમોનો ઉલાળ્યો કરી અન્ય ડોક્યુમેન્ટ ન હોવા ઉપરાંત જે પાણીમાંથી બરફ બનાવવાનો હોય તે પાણી પણ શુદ્ધ રાખવાની તસ્દી પણ કારખાનેદારોએ લીધી ન હતી. મનપાની આરોગ્ય ટીમે શહેરના કાળવા ચોકમાં આવેલ ભારત આઈસ ફેક્ટરી અને જીઆઈડીસી-૧માં આવેલ બાલાજી આઈસ ફેક્ટરીમાં ચેકિંગ કરતા અત્યંત વાસી અને પોરાવાળા પાણીમાંથી બરફ બનતો હોવાનું જાણવા મળ્યું હતું. જેના કારણે મનપાની ટીમે બંને કારખાનાને શીલ મારી દીધા હતા. મનપાની ટીમ પણ ર૦ વર્ષ બાદ જાગી. આટલા વર્ષો સુધીમાં ચેકિંગ જ હાથ ધર્યું ન હતું. પરિણામે રેઢા રાજ જેવા જૂનાગઢ મનપાના શાસનમાં બરફના કારખાનેદારોએ ફિલ્ટર પ્લાન્ટ વસાવવામાં જેવો ખર્ચ પણ કરવાની તસ્દી લીધી ન હતી. માત્ર કમાઈ લેવાની સ્વાર્થી વૃત્તિના કારણે લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરવામાં આવી રહ્યા છે. પાણી દૂષિત હોવા છતાં કારખાના માટેની નીતિ નિયમો મુજબના કોઈ ડોક્યુમેન્ટસ પણ જોવા મળ્યા ન હતા. બબ્બે દસકાથી લોકોના આરોગ્ય જોખમાય તેવા બરફનું ઉત્પાદન કરનાર અને તેને ત્યાં ચેકિંગ ન કરનાર તંત્ર બંને એટલા જ જવાબદાર ન ગણાય. હવે મનપા દ્વારા માત્ર આટલાથી જ સંતોષ ન માની લેતા નિયમિત ચેકિંગ હાથ ધરે તેવી લોકોમાંથી માંગ ઊઠી છે. કેમિકલમાં પલાળેલા કેળા પાકે તે માટે બોળવામાં આવે છે. આવા કેળા બજારમાં ખુલ્લેઆમ વેચાઈ રહ્યા છે. તેની સામે તંત્રએ ક્યારેય પગલાં લીધા નથી. કૃત્રિમ દૂધ, પકડી પાડવા રોજ ચેકિંગ કરવા પ્રજામાંથી માગણી ઊઠી છે.