(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ,તા.૧પ
જૂનાગઢમાં પ્લોટનો કબજો કે દસ્તાવેજ ન સોંપી બે શખ્સોએ ૧.ર૧ કરોડની ઠગાઈ કરી હતી. આ અંગે પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર જૂનાગઢમાં હરિદ્વાર સોસાયટી, ગંધારી વાડી બેસ્ટ સ્કૂલ પાસે રહેતા ધનસુખભાઈ કુરજીભાઈ ધડકને, કાંતીભાઈ રામજીભાઈ નાનપરા અને નીતાબેન શામજીભાઈ વાછાણી સાથે જુના સંબંધો હતા. જેનો ફાયદો ઊઠાવી કાંતિભાઈએ ધનસુખભાઈને વિશ્વાસ અપાવી વંથલી રોડ ઉપર શાપુર ગામના લે-આઉટ પ્લાનનો પ્લોટ વેચી દીધો હતો અને ફરિયાદીને પ્લોટનો દસ્તાવેજ કરી આપ્યો અને કબજો આપ્યો ન હતો. તેમજ ધનસુખભાઈ પાસેથી લીધેલા ૬૦,૦૦,૦૦૦/- પરત આપ્યા ન હતા. તેમજ આ પ્લોટના સામતભાઈ બામટા પાસેથી પણ ૬૧,૦૦,૦૦૦/- રૂપિયા લીધા હતા અને દસ્તાવેજ અને પ્લોટનો કબજો આપ્યો ન હતો. આ અંગે ધનસુખભાઈએ આરોપીઓ વિરૂદ્ધ ‘બી’ ડિવિઝનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આગળની વધુ તપાસ પોલીસ ઈન્સ્પેક્ટર આર.બી.સોલંકી ચલાવી રહ્યા છે.