(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા.૩
ભારત બંધના એલાન અંતર્ગત જૂનાગઢ શહેરમાં પણ બંધ પાળવામાં આવ્યો હતો. આ બંધ દરમ્યાન ૩ જગ્યાઓએ દુકાનના કાચ તેમજ એસટી બસને નુકસાન પહોંચાડ્યાનો બનાવ બનવા પામેલ છે. જેમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢના ઝાંઝરડા રોડ ઉપર રહેતા રાજેશભાઈ ક્રાંતિભાઈ વાછાણીએ પોલીસમાં એવી ફરિયાદ નોંધાવી છે કે, સુપ્રીમ કોર્ટની એટ્રોસિટી કાયદાની ગાઈડલાઈનનો વિરોધ કરવા અનુસૂચિત જાતિ અને જનજાતિ દ્વારા ભારત બંધનું એલાન અપાયેલ આ દરમ્યાન ઝાંઝરડા રોડની દુકાનો ખુલી હોય જેથી જૂનાગઢ શહેર અને તાલુકાના અનુસૂચિત જાતિના આશરે ૭૦થી ૮૦ માણસો મોટરસાયકલ ઉપર ડબલ સવારીમાં દુકાનો બંધ કરાવવા નીકળેલ જેમાં ફરિયાદી અને સાહેદોની દુકાનો ખુલી હોય ટોળા પૈકીના માણસોએ બેફિકરાઈથી પથ્થર ફેંકી છ જેટલી દુકાનોના કાચ તોડી રૂા.૪૦ હજારનું નુકસાન કરી ટોળું નાસી ગયું હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે ૭૦થી ૮૦ જેટલા ટોળા સામે કલમ ૧૪૩, ૩૩૬, ૪ર૭ મુજબ ગુનો દાખલ કરેલ છે આ બનાવની વધુ તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ બી.કે.વાઘ ચલાવી રહ્યા છે.
એસટી બસને નુકસાન
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભાડેર ગામના કિશોરસિંહ રામસિંહ વાઘેલાએ પોલીસમાં એવી ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી તથા સાહેદની સરકારી એસટી બસ નં.જીજે ૧૮ વાય ૪પર૦ તથા બસ નં.જીજે ૧૮ વાય ૭૪ર૬ લઈને વંથલી ડેપોમાં આવતા હતા તે દરમ્યાન ભારત બંધના એલાન સબબ દિલીપ, ધરિયો, વિજય, ગિરીશ, રાહુલ, વિક્રમ, સાગર (રહે.બધા વંથલી)વાળાઓએ ગેરકાયદેસર મંડળી રચી અને વાહનો રોકાવતા હોય દરમ્યાન એસટી ડેપોમાં આવતા આરોપીઓએ પથ્થરના ઘા ઝીંકી બસના કાચ ફોડી નાખી રૂા.૮ હજારનું નુકસાન કરેલ છે.
આ બનાવની વધુ તપાસ વંથલીના પીએસઆઈ બી.એસ.જાડેજા ચલાવી રહ્યા છે. જ્યારે અન્ય એક બનાવમાં પ્રદિપસિંહ ભગવતસિંહ ચુડાસમા (એસટી ડ્રાઈવર, રહે.ટીંબાવાડી)વાળાએ કોઈ અજાણ્યા ચારથી પાંચ શખ્સોએ બિલખા-વિસાવદર રોડ ઉપર એસટી બસમાં પાછળથી પથ્થર મારી એસટી બસનો પાછળનો કાચ તોડી રૂા.૩ હજારનું નુકસાન પહોંચાડ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા બિલખા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ.એમ.દિવરાણિયા તપાસ ચલાવી રહ્યા છે.
જૂનાગઢમાં ‘ભારત બંધ’ના દિવસે ૬ દુકાનોના કાચ ફોડનારાઓ સામે પોલીસ ફરિયાદ

Recent Comments