જૂનાગઢ, તા.રપ
જૂનાગઢ બહાઉદ્દીન કોલેજમાં મહિલા પ્રોફેસર તરીકે ફરજ બજાવતાં કર્મચારીની પજવણીનો બનાવ બનવા પામેલ છે. આ બનાવ અંગે વાલીબેન દેવાયતભાઈ ભારાઈ (રબારી, ઉ.વ.૩૩, રહે. જૂનાગઢ મીરાનગર, શિવની પાર્ક-બી)એ પોલીસમાં એવી ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી બહાઉદ્દીન આર્ટસ કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવી રહ્યા છે. ત્યારે આ કોલેજમાં અભ્યાસ કરતા મૂળ મંડોર ગામનો અને હાલ જૂનાગઢ રહેતો રોહિત રામસીંગભાઈ જાદવ નામનો વિદ્યાર્થી પ્રોફેસર પોતાની ફરજ ઉપર હોય ત્યાં આરોપી પ્રોફેસરની પાછળ જઈ પીછો કરી ખોટી હરકત કરી અને પજવણી કરતો હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આરોપી વિરૂદ્ધ કલમ ૩પ૪ (૧) ડી અંતર્ગત ગુનો દાખલ કરેલ છે. તા.ર૪-૭-૧૮થી અગાઉ ૧પ દિવસના સમયગાળા દરમિયાન આ બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં દર્શાવતા પોલીસે આરોપી વિરૂદ્ધ ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ સી-ડિવિઝન પોલીસ સ્ટેશનનાં એએસઆઈ એન.એમ. કટારા ચલાવી રહ્યા છે.