(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ,તા.૨૨
જૂનાગઢ શહેરમાં લુખ્ખાગીરી અને અસામાજિક તત્ત્વોની રંજાડ દિવસે-દિવસે વધી રહી છે. ત્યારે લુખ્ખાગીરી સામે કડક પગલાની માગણી ઉઠી છે. જૂનાગઢ ગઈકાલે બપોરના ૪ વાગ્યાના અરસામાં પરોઠા હાઉસની એક રેકડીએ મારામારીનો એક બનાવ બનેલ જેમાં નાસ્તો કરવા આવેલાં બે અજાણ્યા શખ્સોએ પૈસા નહીં ચુકવી અને માથાકૂટ કરતાં હોય તે દરમ્યાન અન્ય વ્યક્તિ સમજાવટ કરવા જતાં તેનું અપહરણ કરી અને માર મારવાનો બનાવ બન્યો હતો. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢ મધુરમ બાયપાસ મંગલધામ-૩ બ્લોક નં.બી-૧૦માં રહેતાં સુનીલભાઈ મગનભાઈ પોપટ (લોહાણા,ઉ.વ.૩૧)એ પોલીસમાં એવી ફરિયાદ નોંધાવી છે કે આ કામના બે અજાણ્યા આરોપીઓએ કૃષિ યુનિવર્સિટી ગેટ નં.૨ પાસે આવેલ લક્કી પરોઠા હાઉસની રેકડીએ નાસ્તો કરેલ અને તેના પૈસા આપેલ નહીં અને રેકડીવાળા સાથે ઝઘડો કરતાં હોય જેથી ફરિયાદી વચ્ચે પડી સમજાવવા જતાં આરોપીઓએ ફરિયાદીને ગાળો કાઢી ધમકી આપી બળજબરીપૂર્વક પોતાની મોટરસાયકલ ઉપર બેસાડી અપહરણ કરી જઈ થોડે દૂર લઈ જઈ નીચે ઉતારી ઈંટથી છૂટો ઘા મારી તથા લાકડાના બડીકાથી મારમારી જમણી આંખના નેણ ઉપર તથા માથામાં ગંભીર ઈજા કરી ફરિયાદીના ખિસ્સામાંથી ૧૫૦ રોકડા તથા સેમસંગ કંપનીનો ગેલેક્સી મોબાઈલ રૂા.૮ હજારનો મળી કુલ રૂા.૮૧૫૦ની લૂંટ કરી અજાણ્યા આરોપીઓ નાસી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આરોપી વિરૂદ્ધ ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ સી-ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે.એમ.વાળા ચલાવી રહ્યા છે.