(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા.ર૪
જૂનાગઢ શહેરમાં ચોરી, ચીલઝડપ સહિતનાં બનાવો બની રહ્યાં છે ત્યારે વધુ એક બનાવ બનવા પામેલ છે. જેમાં બે અજાણી મહિલાએ કારીગરી બતાવી અને રૂા.૧.રપ લાખની ચલણી નોટો ભરેલું પર્સ ઉઠાવી ગયેલ છે આ બનાવ અંગે મનસુખભાઈ ધનજીભાઈ ચાવડા (ઉ.વ.પ૮, રહે. રાયજીબાગ-ર ગાર્ડલ હિલ એપાર્ટમેન્ટવાળા)એ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીની દીપક રેસ્ટોરન્ટ નામની દુકાનનાં ગલ્લાના ટેબલના ખાનામાં પર્સમાં રાખેલ રોકડા રૂા.૧.રપ લાખની જુદા જુદા દરની ચલણી નોટો પર્સ સાથે કોઈ બે અજાણી ૩પથી ૪૦ વર્ષની સ્ત્રી નજર ચૂકાવી અને લઈ ગયેલ છે અને આ બનાવ અંગે ગઈકાલે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણી મહિલા વિરૂદ્ધ ગુનો દાખલ કરેલ છે.
જ્યારે બીજા બનાવમાં વણઝારી ચોકમાં રાજભવન એપાર્ટમેન્ટમાં રહેતા રમેશચંદ્ર મથુરદાસ સીરોદરિયા (ઉ.વ.૬ર) સાંજના સમયે પોતાના મકાનનાં દરવાજામાં તાળું મારી અને મંદિરે દર્શન કરવા ગયા હતા અને આ વૃદ્ધના મંદિરે ગયા પછી બંધ મકાનમાં સાંજના સમયે તસ્કરો ત્રાટક્યા હતા. ચોરોએ મકાનનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો. અને બાદમાં અંદર રહેલા કબાટમાંથી રૂા.૧,૧૧,૦૦૦ની કિંમતનાં સોના-ચાંદીના દાગીના ચોરી કરી લઈ ગયા હતા. વૃદ્ધ જ્યારે મંદિરેથી દર્શન કરી પરત ફર્યા ત્યારે મકાનનો દરવાજા ખુલ્લો જોવા મળ્યો હતો. જેથી અંદર જઈ તપાસ કરતાં વૃદ્ધને ચોરી થઈ જાણ થતાં બી ડિવિઝન પોલીસમાં અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.
જૂનાગઢમાંથી પોલીસે રોમિયોને ઝડપી લીધા
જૂનાગઢમાં એન્ટી રોમિયો સ્કવોર્ડનાં એએસઆઈ બિપીનચંદ્ર ધીરજલાલ ભટ્ટ અને સ્ટાફે શશીકુંજ રોડ ઉપરથી સંદીપભાઈ નટવરલાલ ભૂપતાણી નામના શખ્સને બિભત્સ ચેનચાળા કરતો ઝડપી લઈ તેનાં વિરૂદ્ધ કલમ ૧૧૦, ૧૧૭ મુજબ કાર્યવાહી હાથ ધરી છે.