જૂનાગઢ, તા.રર
જૂનાગઢ મહાનગરપાલિકામાં હાલ સ્ટ્રીટ લાઈટની કામગીરી સંભાળી રહેલ ઈએએસએલ કંપની કે જેના દ્વારા સમગ્ર જૂનાગઢ શહેરના આશરે પ૦ ટકા વિસ્તારોમાં એલઈડી સ્ટ્રીટ લાઈટની કામગીરી સોંપવામાં આવેલ છે. આ કંપની દ્વારા મેન્ટેનન્સની કામગીરીમાં ખૂબ જ ગંભીર બેદરકારી દાખવવામાં આવી રહી છે. ૧પ-૧પ દિવસ સુધી લોકોની સ્ટ્રીટ લાઈટની લોકસુવિધા અને રીપેરીંગની કામગીરીનો નિકાલ થતો ન હોય, કંપનીના કોઈપણ જવાબદાર અધિકારી કે કર્મચારી જૂનાગઢમાં હાજર રહેતા ન હોય અને અહીંના ફક્ત બે લોકલ માણસો દ્વારા રાત્રીના સમય દરમ્યાન જ એક વ્હીકલથી કંપની દ્વારા ફીટીંગ કરાયેલ ૯૦૦૦ જેટલી લાઈટોનું મેન્ટેનન્સ કરવામાં આવતું હોય તેથી કંપનીના મેન્ટેનન્સ માટેના પુરતા માણસો અને જરૂરી માલ સામાન ન હોવાથી લોકોની હાલાકી વધતી જતી હોવાથી લોક ફરિયાદમાં વધારો જોવા મળી રહ્યો છે. વધુમાં આ કંપનીને મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ દ્વારા વરંવાર લેખિત, મૌખિક પત્રોથી જાણ કરેલ હોવા છતાં પણ કંપનીની કામગીરીમાં કોઈપણ પ્રકારનો સુધારો આવેલ નથી. હાલ આ કંપનીની ૪૦૦થી પ૦૦ સ્ટ્રીટલાઈટ રીપેરીંગની પેન્ડીંગ ફરિયાદો તેમજ ૧ર૦૦ જેટલી નવી સ્ટ્રીટલાઈટ ફીટ કરવાની ફરિયાદો પેન્ડિંગ છે. આમ, આ કંપની દ્વારા સંતોષકારક કામગીરી કરાતી ન હોય આ કંપની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર મહેન્દ્ર મશરૂએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રજૂઆત કરી છે.