જૂનાગઢ, તા.૧૪
જૂનાગઢ શહેર અને જિલ્લામાં રોજબરોજ કોરોનાના કેસોની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે ગઈકાલે જૂનાગઢ સિટીના એક કોરોના દર્દી તેમજ ધોરાજીના એક દર્દીનું મૃત્યુ થતા લોકોમાં ભયની લાગણી જન્મી છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના વધુ બે દર્દીનાં મોત થયા છે. જેમાં જૂનાગઢના જોશીપરાના અને ધોરાજીના એક દર્દીએ સારવાર દરમ્યાન અંતિમ શ્વાસ લીધા હતા. જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી પ્રવિણ ચૌધરીએ જણાવેલ કે ગઈકાલે જૂનાગઢના જોશીપરા વિસ્તારમાં પ૯ વર્ષીય પુરૂષનું મૃત્યુ થયેલ અને એ અગાઉ ધોરાજીના એક ૭૬ વર્ષીય કોરોના દર્દીનું પણ મૃત્યુ નિપજ્યું હતું. ડીડીઓ પ્રવિણ ચૌધરીએ વધુમાં જણાવેલ કે જોશીપરાના કોરોના દર્દીનું મોત નિપજતા જૂનાગઢ જિલ્લાનો મૃત્યુ આંક આઠ થયો છે. જેમાં જૂનાગઢના છ મોત તેમજ જૂનાગઢ ગ્રામ્યના એક અને વિસાવદરના એક કોરોનાના દર્દીના મોતનો સમાવેશ થાય છે. પ્રવિણ ચૌધરીએ વધુમાં જણાવેલ કે જોશીપરાના મૃત્યુ પામેલ પ૯ વર્ષીય કોરોનાને અનકંટ્રોલ ડાયાબિટિસ હતા. જેની દર્દી તેમજ તેમના પરિવારજનોએ પણ જાણ ન હતી. ઉપરાંત આ દર્દી કોરોનાના લક્ષણો જણાવ્યાના ચાર દિવસ બાદ સારવાર અર્થે દાખલ થયેલ. તા.૧૦ના રોજ તેમનો પોઝિટિવ રિપોર્ટ આવેલ અને ગઈકાલે મૃત્યુ પામ્યા હતા. જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારીએ લોકોને સાવચેતી રાખવા માસ્ક પહેરી રાખવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની સાથે કોરોનાના લક્ષણો જણાયે તુરત જ હોસ્પિટલનો સંપર્ક કરવા અનુરોધ કર્યો છે.