જૂનાગઢ,તા.૧૪
જૂનાગઢમાં વર્ષોથી રહેતા ૧૪ કોળી કુટુંબના ઝૂંપડા તોડી ઘરવિહોણા કરી નાખતા જૂનાગઢ જિલ્લા ક્લેક્ટર કચેરી સામે ન્યાય માટે બેસેલ લોકોને મંડપ ઉપાડી લેવા ધાકધમકી આપી ધરપકડ કરવાની ધમકી અપાતાં ક્લેક્ટરને આવેદન પાઠવી નુકસાન પહોંચાડતા કર્મચારીઓ સામે પગલા ભરવા અનુરોધ કરાયો છે.
જૂનાગઢની જલારામ સોસાયટીમાં છેલ્લા ૪૦ વર્ષથી રહેતા ૧૪ કોળી કુટુંબોના ઝૂંપડાઓ તોડીને ઘરવિહોણા કરી નાખતાં આ કોળી સમાજના કુટુંબો ન્યાય મેળવવા માટે જૂનાગઢ જિલ્લા ક્લેક્ટર કચેરી સામે ર૦૦ મીટર દૂર મંડપ નાંખીને બેસેલ ત્યાં પોલીસ દ્વારા મંડપ ઉપાડી લેવા નહિતર તમામની ધરપકડ કરવાની ધમકી આપી હતી તથા અહીથી મંડપ ઉઠાવીને ઝાંસી રાણીની પ્રતિમા પાસે લઈ જવા કહ્યું હતું. વગ ધરાવતી બિલ્ડર લોબીના ઈશારે મંડપ છાવણીમાં મનપાના અધિકારીની સુચનાથી કાર્મચારી આવીને મંડપની જગ્યાનું ભાડું એક દિવસના રૂા.૧૧૮૦ આપો અથવા મંડપ ઉઠાવી લઈશું એવું જણાવ્યું હતું. અનેક પ્રકારના બહાના હેઠળ ઈરાદાપૂર્વક જૂનાગઢ ભાજપાના ઈશારે ન્યાય માંગતા બેઘર કોળી સમાજને હેરાન-પરેશાન કરીને લોકશાહીની હત્યા કરવાનું કૃત્ય કરવામાં આવેલ છે. આ અંગે ન્યાયના હિતમાં અને લોકશાહી અધિકારો પર પોલીસ સાથે મનપાના કર્મચારીઓ પર પગલા લેવા જૂનાગઢ જિલ્લા ક્લેક્ટરને તથા રાજ્યપાલ અને મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે.