જૂનાગઢ,તા.ર૭
મુસ્લિમ હિત રક્ષક સમિતિ જૂનાગઢના સોહેલ સિદ્દીકીએ મંત્રી જવાહરભાઈ ચાવડા, ગુજરાત રાજ્ય વકફ બોર્ડ, કલેકટર અને મામલતદાર જૂનાગઢને પત્ર પાઠવી રજૂઆત કરી છે. સોહેલ સિદ્દીકીએ પત્ર દ્વારા રજૂઆત કરતા જણાવેલ છે કે હાલમાં જૂનાગઢ શહેરમાં આવેલ ઉપરકોટ કિલ્લાનું રિસ્ટોરેશનનું કામ ચાલે છે. ઉપરકોટના કિલ્લામાં રાજાશાહી વખતની ઐતિહાસિક જુમ્મા મસ્જિદ આવેલી છે. આ જુમ્મા મસ્જિદના સંચાલન અને દેખભાળ માટે સરકારે ટ્રસ્ટ બનાવેલ છે. ટ્રસ્ટનું નામ ઉપરકોટમાં જુમ્મા મસ્જિદ, જૂનાગઢ છે અને ટ્રસ્ટી તરીકે સરકાર વતી જૂનાગઢના મામલતદાર હોદ્દાની રૂએ નિયુક્ત થયેલ છે. ટ્રસ્ટનો ઉદ્દેશ્ય મુસલમાનોને નમાઝ પઢવા માટે મસ્જિદ ચલાવવી એવો છે. પબ્લિક ટ્રસ્ટ રજિસ્ટરમાં સ્થાવર મિલકત તરીકે સરકારની માલિકીના ઉપરકોટ મસ્જિદ આવેલ છે તેમ દર્શાવેલ છે. મસ્જિદની કિંમત અમૂલ્ય દર્શાવેલ છે. ગુજરાત રાજ્ય વકફ બોર્ડની કચેરીમાંથી આ ટ્રસ્ટ રજિ. નં. બી-૬ર૭ જૂનાગઢના પીટીઆરની નકલ પણ ઉપલબ્ધ છે. જેની ઝેરોક્ષ નકલ પત્ર સાથે સામેલ છે. જે ધ્યાને લેવા જણાવાયું છે. આમ, આ મસ્જિદ રાજાશાહી વખતની ઐતિહાસિક જુમ્મા મસ્જિદ છે. આ મસ્જિદના સંચાલન અને દેખભાળ માટે સરકારે ટ્રસ્ટ બનાવેલ છે જેના એક માત્ર ટ્રસ્ટી તરીકે જૂનાગઢ મામલતદાર હોદ્દાની રૂએ છે. આ મિલકત હાલ ગુજરાત સરકારના વકફ બોર્ડની છે. ટ્રસ્ટનો હેતુ મુસલમાનોને નમાઝ પઢવા માટે મસ્જિદ ચલાવવાનો છે. હાલ આ મસ્જિદ મૂળ સ્વરૂપે હયાત છે. જૂનાગઢ આવતા પર્યટકો માટે ઉપરકોટ અને ઉપરકોટમાં આવેલી આ જુમ્મા મસ્જિદ ઐતિહાસિક વિરાસત છે. હાલ ઉપરકોટમાં રિસ્ટોરેશન સમારકામ ચાલુ રહ્યું છે. જેમાં સમાવિષ્ટ આ જુમ્મા મસ્જિદની પણ મૂળ સ્થિતિ જાળવી રાખવામાં આવે અને મસ્જિદની મૂળ ઓળખના અવશેષોને દૂર કરવામાં ના આવે તે માટે સંબંધિતોને સૂચના આપવા પત્રમાં વિનંતી કરાઈ છે. જો આવા મૂળ અવશેષો દૂર કરવામાં આવી રહ્યા હોય તો એ તાત્કાલિક અટકાવવા વિનંતી કરવામાં આવી છે. મસ્જિદની આગવી ઓળખના મૂળ અવશેષો ક્યાં-ક્યાં છે તે અમો સ્થળ ઉપર આવી સંબંધિતોને બતાવવા તૈયાર છીએ. હાલ લોકડાઉન મુજબ આ વિષયના જાણકાર હોય એવા ફક્ત પાંચ આગેવાનોની સહીથી આ રજૂઆત કરેલ છે. પરંતુ સમગ્ર જૂનાગઢ શહેર, સમગ્ર જૂનાગઢ જિલ્લા અને સમગ્ર સોરઠ પંથકના તમામ મુસ્લિમોની આ લાગણી અને માંગણી છે જે ધ્યાને લઈ આ બાબતે તાત્કાલિક ઘટતું કરવા પત્રમાં વિનંતી કરવામાં આવેલ છે.