જૂનાગઢ, તા. ૨
જૂનાગઢના ‘બી’ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં એક વર્ષ પહેલાં ધોરાજીના આધેડે ફરિયાદ નોંધાવી હતી, કે જૂનાગઢની સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાંથી કોઈ અજાણ્યા શખ્સો રૂા. ૨૨.૪૬ લાખ ઉપાડી લીધા હતા. આ અંગે જૂનાગઢ એસઓજીએ તપાસ હાથ ધરી હતી અને સેન્ટ્રલ બેંકમાં કરાર આધારીત નોકરી કરતાં કર્મચારી સહિત ૬ શખ્સોને ઝડપી લીધા હતા. જ્યારે આ ગુનામાં સંડોવાયેલ એક આરોપી જેલમાં છે.
ધોરાજી રહેતાં મનસુખલાલ કલ્યાણજીભાઈ ચોવટિયાનું જૂનાગઢ સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં ખાતું હોય આ ખાતામાંથી રૂા. ૨૨.૪૬ લાખ ઉપાડી ગયાની ફરિયાદ નોંધાતા એસઓજી પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં અલગ અલગ શહેરના સીસીટીવી ફુટેજ તેમજ કાગળોની તપાસ કરી જૂનાગઢની સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં કરાર આધારિત નોકરી કરતા મહેશ ભોવાન વાઘેલાને ઝડપી લીધો હતો. જેની પૂછપરછ કરતાં મનસુખલાલનું એટીએમ બેંકની જાણ બહાર પોતે લઈ તેના મિત્ર યુસુફ કાળા દલ, હનીફ જુમા, અનવર આમદ પાલેજા, બસીર હબીબ પલેજા, પ્રકાશ કાન્તી સોલંકી, હસમુખ નાથા રાઠોડ સહિતનાઓએ સાથે મળી અલગ અલગ શહેરમાંથી અલગ અલગ બેંકના એટીએમમાંથી કુલ રૂા. ૨૨,૪૬,૯૦૦ ઉપાડી લીધા હોવાની કબૂલાત કરી હતી. જેમાં પોલીસે ૬ આરોપીઓને ઝડપી લીધા હતા. જ્યારે આરોપી હનીફ જુમા છેતરપીંડીના ગુનામાં હાલ જૂનાગઢ જેલમાં છે. પોલીસે સાતેય આરોપીઓ વિરૂદ્ધ સાયબર ક્રાઈમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.