જૂનાગઢ, તા. ૧ર
જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ જૂનાગઢ જિલ્લા જનતાની રેલવે સંબંધી વિવિધ માગણીઓના સંદર્ભમાં કેન્દ્રીય રેલવેમંત્રી પિયુષ ગોહેલ સમક્ષ અનેકવિધ રજૂઆતો કરી છે. જેમાં સોમનાથ-જબલપુર એક્સપ્રેસ ટ્રેનને ચોરવાડ રેલવે સ્ટેશન ખાતે સ્ટોપ આપવા તેમજ વેરાવળ-અમદાવાદ ટ્રેન નં. ૧૯૧૧૯/૧૯ર૧૦ને સુરત સુધી લંબાવવા, વેરાવળ- બાંદ્રા સુપર ફાસ્ટ વિકલી એક્સપ્રેસ ટ્રેનને સપ્તાહમાં દર ચાર દિવસે ચલાવવા, પોરબંદર-વેરાવળ-પોરબંદર એક્સપ્રેસ ટ્રેનના સમયમાં ફેરફાર કરવા સોમનાથ હરીદ્વાર સાપ્તાહિક નવી ટ્રેન શરૂ કરવા અને સોમનાથ-પુરી હોલીડે એક્સપ્રેસ ટ્રેનને સાપ્તાહિક ટ્રેનમાં પરિવર્તિત કરવા માગણી કરી છે. તેમજ જૂનાગઢ પ્રખ્યાત યાત્રાધામ હોય અને દર વર્ષે લાખો યાત્રાળુઓ જૂનાગઢ શહેરમાં આવેલા ગીરનાર પર્વત અને અનેક મંદિરો, મ્યુઝિયમ, ઝૂ, જંગલ વિસ્તાર સહિતના ફરવાના સ્થળોએ મુલાકાતે આવતા હોય છે. જેથી જૂનાગઢ રેલવે સ્ટેશનને અપગ્રેડ કરીને તાકીદની અસરથી હાથ ઉપર લેવા સાંસદ રાજેશ ચુડાસમાએ રેલવે મંત્રીને પત્ર દ્વારા રજૂઆત કરી છે.