જૂનાગઢ, તા.૨૭
ભારતીય સંસ્કૃતિમાં વૃક્ષોનું પોતાનું મહત્ત્વપૂર્ણ સ્થાન રહ્યું છે. ત્યારે ઔષધિય વનસંપદા ધરાવતા પ્રાકૃતિક વારસની ધરોહરના જૂનાગઢવાસીઓ વૃક્ષોના જતનમાં કેમ ઊણા ઉતરે….? એ વાતની પ્રતિતિ કરાવવા તાજેતરમાં જૂનાગઢનાં જંતુનાશક દવાના વિક્રેતાઓથી ગઠિત કિસાન મિત્ર કલબના સભ્યો, અગ્ર મુખ્ય વનસંરક્ષકશ્રી ડો.એ.પી.સિંહની ઉપસ્થિતિમાં સાથે મળ્યા હતા. અને આવનાર ચોમાસામાં જૂનાગઢ જિલ્લાને વધુ હરીયાળો કેમ બને ? તે દિશામાં મંથન કર્યુ હતુ. સાથે સાથ ગત ચોમાસાની સિઝનમાં કીસાનમિત્ર કલબ દ્વારા ૧૦ હજાર જેટલા વિવિધ પ્રજાતિના વૃક્ષોના રોપાનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યુ હતુ તેની ફલશ્રૃતિ અને રોપોના ઉછેરમાં ખેડુતોના યોગદાન વિષયે સમીક્ષા કરવામાં આવી હતી.
કીસાન મિત્ર સંગોષ્ઠી પ્રસંગે જૂનાગઢના અગ્ર મુખ્ય વનસંરક્ષકશ્રી ડો. એ.પી.સિંહે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે બાયોડાયવર્સિટીને જંતુનાશક દવાઓ અનેક રીતે અવરોધે છે. કુદરતે આ સૃષ્ટી પર અનેક જીવોની પ્રજાતિ રમતી મૂકી છે. પણ માનવીએ પોતાના હિત ખાતર અને વધુ અન્ન ઉત્પાદન માટે જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરોનો વણવિચાર્યો ઉપયોગ કરવાથી આજે કેટલીય પ્રજાતિ લુપ્ત થવાના આરે આવીને ઊભી છે. ડૉ.સિંહે ગુજરાતની વનસંપદા અંગે તેમનું અનુભવ કથન રજુ કર્યુ હતું.
આ તકે સૈારાષ્ટ્ર જૂંતુનાશક દવાનાં વિક્રેતા એશોસિયેશનના પ્રમુખશ્રી દેત્રોજા, શ્રી વિનુભાઇ બારસીયા અને શ્રી ટાટમીયાભાઇએ જૂનાગઢનાં ધરતીપુત્રોના પ્રકૃતિપ્રેમની વાત કિશાન મિત્ર કલબ દ્વારા એક વૃક્ષ વિતરણ રથ દ્વારા જિલ્લાના ગામે ગામ દવાના વિતરણ કેન્દ્રના સહયોગ સાથે ઝાડનું વાવેતર કરી સંવર્ધન થાય, લુપ્ત થતી પ્રજાતિના વૃક્ષોનું વિશેષ કાળજીપૂર્વક વાવેતર અને સંવર્ધન થાય તેની પરવા કરવામાં આવશે.
આ વખતે કીશાન મિત્ર કલબનાં સભ્યોએ વૃક્ષોનું વાવેતર કરવા અને તેનું સંવર્ધન થાય તે માટે યોગ્ય વૈજ્ઞાનિક પધ્ધતિએ વૃક્ષારોપણ કરીએ તો ચોક્કસ ધાર્યુ પરિણામ મેળવી શકાય તે દિશામાં પુખ્ત આયોજન કરેલ છે તેમ કલબના પ્રમુખશ્રી અરવીંદભાઇ ટીંબલીયાએ જણાવ્યું હતું. જે.કે. લીલા, વિઠ્ઠલભાઇ રૈયાણી, પ્રકાશભાઇ, દેવેન્દ્રભાઇ ટીંબલીયા, નિશાંતરાજ રૈયાણી સહિત સભ્યોએ તેમના વિચારો વ્યક્ત કરી આવનાર ચોમાસામાં તેમના તરફથી વૃક્ષોના વાવેતરમાં યોગદાનની જાહેરાત કરવામાં આવી હતી.