(સંવાદદાતા દ્વારા)
જૂનાગઢ, તા.૮
જૂનાગઢ જિલ્લામાં કોરોના પોઝિટિવના વધુ ચાર કેસ નોંધાતા તંત્ર દોડતું થઈ ગયું છે. સાંખડાવદર ગામનાં ૭૦ વર્ષનાં પુરૂષને કોરોના પોઝિટિવ આવ્યો છે. ગત શનિવારે આ પુરૂષને જૂનાગઢ સિવિલમાં દાખલ કરવામાં આવેલ જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બીજી તરફ ચોરવાડના એક જ કુટુંબના ત્રણ વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યો છે. અમદાવાદમાં રહેતું એક કુટુંબ ગત બુધવારે તા.૩ જૂનના રોજ અમદાવાદથી ચોરવાડ આવેલ જેમાં પુરૂષ ૬૫ વર્ષ, મહિલા ૪૯ વર્ષ અને પુરૂષ ૨૧ વર્ષ એમ સમગ્ર પરિવારનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમ જૂનાગઢ જિલ્લામાં વધુ ચાર પોઝિટિવ કેસ નોંધાયા છે તે સાથે જૂનાગઢ જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૩૫ થઈ ગઈ છે. જેમાંથી આજના ચાર મળી ૭ એક્ટિવ કેસ છે. ૨૭ દર્દીઓ સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે કોરોનાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.