જૂનાગઢ, તા.ર૩
જૂનાગઢ જિલ્લામાં આજ દિવસ સુધી કોરોના મહામારીને ડામવામાં તંત્ર સફળ રહ્યું હતું. પરંતુ છેલ્લા આઠ દિવસથી કોરોનાએ જૂનાગઢ શહેર અને જિલ્લા ઉપર નજર બગાડતા છેલ્લા ૧પ દિવસમાં કોરોનાના કેસની સંખ્યા ર૬ થઈ ગઈ છે. તેમાં પણ આજે જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ૬ નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં વિસાવદર તાલુકાના બરડિયા ખાતે પાંચ પોઝિટિવ કેસ નોંધાતા બરડિયા ગામને કન્ટેઈન્મેન્ટ ઝોનમાં મૂકી દેવામાં આવ્યું છે. બરડિયા ખાતે ર મહિલા (ઉ.વ.૪૮ અને રર) અને ત્રણ પુરૂષ (ઉ.વ.ર૮, રર અને ૧૦)નો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા બરડિયા વિસ્તારમાં તંત્રએ તત્કાલ કાર્યવાહી કરી છે. નાના એવા બરડિયા ગામમાં પ કેસ નોંધાતા ભારે ખળભળાટ મચી ગયો છે. જ્યારે કેશોદ શહેરમાં વધુ એક પ૮ વર્ષના પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
આમ જૂનાગઢ જિલ્લામાં ૬ પોઝિટિવ અને જૂનાગઢ સિટીમાં ૧ પોઝિટિવ મળી કુલ ૭ નવા પોઝિટિવ કેસ નોંધાયા છે અને અગાઉના ૧૯ પોઝિટિવ કેસ મળી કુલ પોઝિટિવ કેસની સંખ્યા ર૬ થઈ ગઈ છે. આમ જૂનાગઢ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હોય તંત્ર અને લોકો ભારે ચિંતામાં મૂકાઈ ગયા છે.