(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ,તા.૨૭
ભેંસાણ તાલુકાનાં બામણગામ નજીક ગત તા.૧૫-૩-૧૮ના રોજ હરસુખભાઈ રવજીભાઈ હિરપરા (ઉ.વ.૬૦) મોટરસાયકલ લઈને જઈ રહ્યાં હતાં. તે દરમ્યાન તેમનું મોટરસાયકલ સ્લીપ થતાં તેઓને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ થયું છે. જ્યારે અન્ય એક બનાવમાં બરવાળા ચોકડી પાસે જીઈબીની ટી બદલવા જતાં જયેશભાઈ શાંતિલાલ માંડવિયા (ઉ.વ.૪૦, રહે.ચણાકા)ને ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા તેનું મૃત્યુ થયું છે. ઉપરાંત અન્ય એક બનાવમાં રાણપુર ગામનાં હિરૂબેન ભાણાભાઈ (ઉ.વ.૮૫) કોઈ કારણસર દાઝી જતાં તેમનું ગંભીર રીતે દાઝી જવાનાં કારણે મૃત્યુ થયું છે. ભેંસાણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
બિલખાનાં ભલગામ સ્મશાન પાસે પુલ ઉપર બનેલાં એક બનાવવામાં પૂરપાટ ઝડપે છકડો રિક્ષા દોડાવી, ગફલતભરી રીતે ચલાવી અને ઈજા પહોંચાડતાં મોત નિપજ્યાનો બનાવ બનેલ છે. બિલખા ગામે ઈન્દિરાનગર ખાતે રહેતાં મનુભાઈ રામભાઈ વાળાએ બંધાળા ગામનાં મનસુખભાઈ માઘાભાઈ દલિત વિરૂદ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે આરોપીએ પોતાનાં હવાલાની છકડો રિક્ષા પૂરઝડપે તથા ગફલતભરી રીતે ચલાવી ફરિયાદીનાં નાના ભાઈને પગ તથા માથાનાં ભાગે ગંભીર ઈજા પહોંચાડતાં તેનું મૃત્યુ નિપજાવી ગુનો કર્યો છે.