જૂનાગઢ,તા.ર૭
ભેંસાણમાં છેલ્લા બે દિવસથી વિવિધ અફવાથી બજાર ગરમાયું છે. શહેરમાં બાળકોને ઉઠાવી જતી ગેંગ આવી છે અને બાળકોની ઉઠાંતરી કરે છે. તેવી અફવા સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વાલીઓમાં ભારે ચિંતા પ્રસરી હતી. હકીકત આ માત્ર અફવા હોવાનું જાણવા મળ્યું છે. જે અંગે પ્રાપ્ત વિગત મુજબ ભેંસાણના જીન પ્લોટમાં ગતરાત્રી એક અજાણી મહિલા શંકાસ્પદ રીતે આંટા મારી રહી હતી. જેની જાણ લતાવાસીઓએ ભેંસાણ પોલીસને જાણ કરી હતી. પોલીસે આ મહિલાને પકડીને કડક પુછપરછ કરી હતી. પરંતુ કંઈ અજુગતુ નિકળ્યું ન હતું. માટે મહિલાને જવા દેવામાં આવી હતી. પરંતુ આ સમગ્ર ઘટનાને પુરી સમજયા વિના અધુરી માહિતી સાથે કોઈ વ્યક્તિએ સોશિયલ મીડિયામાં ફરતી કરી દીધી હતી કે ભેંસાણમાં બાળકોને ઉઠાવી જતી મહિલા ઝડપાઈ છે. હકીકતે આ એક અફવા છે તેથી કોઈ વાલીઓએ ચિંતા નહીં કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
આ માત્ર અફવા છે, વાલીઓએ ગભરાવવું નહીં : એસપી નીલેશ જાજડિયા
જૂનાગઢ જિલ્લા પોલીસ વડા નિલેશ જાજડિયાએ જણાવ્યું હતું કે જિલ્લામાં બાળકોને ઉઠાવી જનાર ટોળકી સક્રિય થઈ હોવાની વાત ખોટી છે. સોશિયલ મીડિયામાં જે મેસેજ ફરતા થયા છે. તે ખોટા અને ગેરમાર્ગે દોરનારા છે. વધુમાં જૂનાગઢ જિલ્લા પોલીસ વડાએ કહ્યું કે પોલીસ તંત્ર પ્રજાની સુરક્ષા માટે સતત જાગૃત છે. વાલીઓ પણ ડરે નહી. જો કોઈ આવી વાતને લઈને કોઈ વ્યક્તિ ઉપર હુમલો કરશે તો તેજા વિરૂદ્ધ ગંભીર ફરિયાદ દાખલ થઈ શકે છે.