જૂનાગઢ, તા.૬
જૂનાગઢ જિલ્લાનાં તમામ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે ભારે વરસાદ સંદર્ભે તાલુકા વહીવટીતંત્રના અધિકારીઓને સતર્ક રહેવા જિલ્લા કલેક્ટર દ્વારા સૂચનાઓ જારી કરવામાં આવી છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી મુજબ જે તાલુકામાં વધુ વરસાદ હોય તે તાલુકામાં ભયજનક રોડ ઉપર ટ્રાફિક બંધ કરાવવો, નદી-નાળા ઉપરથી ચાલતા વરસાદી પાણીમાં કોઈ નાગરિકો વાહન સાથે પ્રવેશે નહીં તેની તકેદારી રાખવી. વીજ પુરવઠો અવિરત રહે, રોડ તૂટવા, ઝાડ પડવા બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવી. પશુધન મૃત્યુ પામે તો તાત્કાલિક રિપોર્ટીંગ કરવા, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય તો પાણી ઉલેચવા પમ્પની વ્યવસ્થા, સફાઈ કામગીરી દવા છંટકાવ સહિતની બાબતો અંગે તકેદારી રાખવા સૂચનાઓ આપવામાં આવી છે.