(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા.ર૧
હાલ ચાલતા શ્રાવણ મહિનામાં જુગારની મોસમ પૂરબહારમાં ખીલી છે ત્યારે આ બદીને રોકવા પોલીસે પણ લાલ આંખ કરી છે. જૂનાગઢ જિલ્લામાં ૭ ઠેકાણે દરોડા પાડી પોલીસે ત્રણ લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે પ૧ જુગારીઓને ઝડપી પાડ્યા હતા.
ભેંસાણ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ્પેક્ટર એમ.સી. ચુડાસમા અને સ્ટાફે ચોક્કસ બાતીમના આધારે ચણાકા રોડ નજીક ભેંસાણની સીમમાં જુગાર અંગે દરોડો પાડતાં બહારથી માણસો બોલાવી વાડીની અરોડીમાં જુગાર રમતાં ૧૦ શખ્સોને રૂા.૬૮પ૦૦ સાથે ઝડપી લીધા હતા તેમજ અન્ય એક દરોડામાં કેશોદની અક્ષયનાથ સોસાયટીમાં જુગાર રમતાં ૪ શખ્સોને રૂા.૪૧૬૦ના મુદ્દામાલ સાથે કેશોદ પોલીસે ઝડપી લઈ તેમના વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉપરાંત અન્ય એક જુગારના દરોડામાં અજાબ ગામની ભોદડી સીમ વિસ્તારમાં જુગાર અંગે દરોડો પાડતાં ત્યાંથી ૧૦ શખ્સોને જુગાર રમતા કુલ રૂા.૧.૭૦ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. તેમજ અન્ય એક દરોડામાં વંથલી પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ ભરતસિંહ નાનુભાઈ અને સ્ટાફે લુશાળા ગામે જુગારા અંગે દરોડો પાડતા જાહેરમાં જુગાર રમતાં ૧૧ શખ્સોને રૂા.૧૭૪પ૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. ઉપરાંત માણાવદર તાલુકાના મટીયાણા ગામે માણાવદર પોલીસે જુગાર અંગે દરોડો પાડતાં ત્યાંથી ૬ શખ્સોને જુગાર રમતા ઝડપી લઈ તેમની પાસેથી ૧ર૩પ૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ માંગરોળ પોલીસે શક્તિનગરમાં જુગાર અંગે દરોડો પાડતા ત્યાંથી ૬ શખ્સોને રૂા.૩૭૮૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. અન્ય એક દરોડામાં શીલ પોલીસે શરમા ગામે જુગાર અંગે દરોડો પાડતાં ત્યાંથી ૪ શખ્સોને જાહેરમાં જુગાર રમતા રૂા.૧૦,પર૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી છે.