(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા.૧૭
જૂનાગઢ ખામધ્રોળ રોડ હેમાવના સોસાયટી પાસે સુધીર દિલીપભાઈ અભાણી (ઉ.વ.૩૦)એ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવેલ છે કે, આ કામના ફરીયાદના પિતા બસ સ્ટેશનથી ગાંધી ચોક જતા હતા ત્યારે લાલ બહાદુર શાસ્ત્રી સોસાયટી ભારત મેડિકલ પાસે પાછળથી ટ્રક નં.જી.જે.-૦૩-એઝેડ-ર૧૯૦ વાળાએ પોતાના હવાલાવાળો ટ્રક પુર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી ફરિયાદીના પિતાની મોટરસાયકલ સાથે ભટકાવી તેને અડફેટે લઈ ઈજાઓ કરી નાસી ગયો હતો. આ બનાવ તા.૧પ.૧.૧૯ના રોજ બનવા પામેલ છે જે અંગેની ફરિયાદ પોલીસ દફતરે નોંધાવતા ‘બી’ડિવિઝન પોલીસ સ્ટેશને આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધેલ છે. આ બનાવની વધુ તપાસ બી ડિવીઝન પોલીસ સ્ટેશનના એએસઆઈ વી.એમ.કોડીયાતર ચલાવી રહ્યા છે.જ્યારે અન્ય એક બનાવમાં જૂનાગઢના સાંબલપુરમાં પાણીના ટાંકાની બાજુમાં રહેતા એક પરિવારની સગીર વયની પુત્રીને રાજુ કોળી (રહે. સરગવાડા, જિલ્લો, જૂનાગઢ) લગ્ન કરવાની લાલચ આપીને ફોસલાવી ભગાડી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. જૂનાગઢ તાલુકા પોલીસે આરોપી વિરૂદ્ધ ગુનો નોંધેલ છે. આ બનાવની વધુ તપાસ જૂનાગઢ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સબ પોલીસ ઈન્સ્પેક્ટર એન.વી.આંબલિયા ચલાવી રહ્યા છે.