(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ,તા.૩૦
જૂનાગઢ તાલુકાના સુખપુર ગામ નજીક બે બાઈક સામસામે અથડાતાં સર્જાયેલા અકસ્માતમાં બે બાઈક ચાલકોના મોત નીપજ્યા હતા. અકસ્માતમાં અન્ય બે લોકોને ઈજા પહોંચતા સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે મળતી વિગતો મુજબ, જેતપુર તાલુકાના જેતલસર ગામથી જૂનાગઢ તરફ આવી રહેલા બે યુવાનો સુખપુરના પાટિયા પાસે પહોંચતા અન્ય બાઈક સાથે અથડાઈ ગયા હતા. જો કે આ અકસ્માત એટલો ભયંકર હતો કે બન્ને બાઈક ચાલક દિનેશભાઈ જીવાભાઈ અને કિશનભાઈ ચનાભાઈ વાઘેલા નામના યુવકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોતના નિપજ્યા હતા. જ્યારે બાઈક પાછળ બેઠેલા અન્ય બે યુવાનો બકુલભાઈ શામજીભાઈ અને અરવિંદભાઈ ભીખાભાઈ ગંભીર ઈજા સાથે સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ બનાવ અંગે તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
કેશોદ તાલુકાના ચાંદીગઢના પાટિયા પાસે કાર પલ્ટી
મેહુલભાઈ રણછોડભાઈ મોલીયા (ઉ.વ.૩૪, રહે.મોરબીવાળા)એ ચાલક કૃણાલ સોરઠિયા (રહે.રાજકોટવાળા) વિરૂદ્ધ એવી ફરિયાદ નોંધાવી છે કે આ કામના આરોપીએ કારમાં અચાનક પાછળના વ્હીલમાં પંચર થતાં ચાલકે સ્ટિયરિંગ ઉપરનો કાબૂ ગુમાવતાં રોડની સાઈમાં ફોર વ્હીલ કાર પલ્ટી ખાઈ ખાડામાં પડી જતાં વિકાસભાઈ ડાયારામભાઈ ખાંડેકા (ઉ.વ.૩૪, રહે.રાજકોટવાળા)ને માથામાં તથા શરીરે ગંભીર ઈજા પહોંચી હતી અને જેને કારણે તેનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે અન્ય લોકોને ઈજા થયાની પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ કેશોદના પીએસઆઈ એસ.આર.બલાત ચલાવી રહ્યા છે.