(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા.૮
જૂનાગઢ પોલીસે ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવી અને કેશોદના રીઢા તસ્કરને ઝડપી લઈ તેની આકરી પૂછપરછ કરતાં બાઈક અને મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલાયો હતો. પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક સુભાષ ત્રિવેદી અને પોલીસ અધિક્ષક સૌરભ સિંઘના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ એન.બી. ચૌહાણ તથા સ્ટાફને મળેલી બાતમીના આધરે ટીંબાવાડી નજીક વોચ ગોઠવી બેઠા હતા તે દરમ્યાન એક્ટીવા નંબર જીજે ૦૩ જેએ ૭૩૯૦ લઈને પસાર થતા કેશોદના વિક્રમ ઉર્ફે ઈટલી મનુ મક્કાને ઝડપી લઈ તપાસ કરતાં એક્ટીવાની ડેકીમાંથી અલગ અલગ કંપનીના ૧૦ મોબાઈલ ફોન મળી આવ્યા હતા. આરોપીએ આ મોબાઈલ દિવ ગામ અને નાગવા બીચથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી અને એક્ટીવા પણ ગોંડલની ગુંદાળા ચોકડી પાસેથી ચોર્યું હોવાનું જણાવ્યું હતું. તે ઉપરાંત અલગ અલગ સ્થળોએથી ૪ એક્ટીવા અને ૧ બાઈકની ચોરી કરી આ બાઈક કેશોદના દિપક ઉર્ફે કાનો નાથા રાઠોડને રૂપિયા પ૦૦૦માં વેચી આપી હતી. અને દીપક બાઈકમાં દારૂની હેરાફેરી કરતો હતો. જેથી કેશોદ પોલીસે દિપકને ૩ બાઈક પર દારૂની હેરાફેરી કરતો હોવાથી ઝડપી લઈ બાઈક કબજે કરી હોવાનું જણાવ્યું હતું.