જૂનાગઢ,તા.૧૩
ગીરનાર જંગલમાં પશુઓને ઝાડે બંધાવી સિંહને પ્રલોભન આપવાનો બનાવનો વીડિયો વાયરલ થયા બાદ આ બનાવની ઊંડી તપાસ હાથ ધરાતા ગેરકાયદેસર સિંહ દર્શનનો પર્દાફાશ થયો હતો અને વધુ દસ જેટલા નામો સંડોવણીમાં ખુલવા પામતાં ચકચાર જાગી ઉઠી છે.
ગીરનાર જંગલના પ્રશ્ચિમ વિસ્તારમાં મારણ મૂકીને સિંહોને શિકાર માટેનું પ્રલોભન આપીને ગેરકાયદેસર સિંહ દર્શન કરાવવાના ષડયંત્રનો પર્દાફાશ થતાં ઘણ શખ્સો ભો ભીતર થઈ ગય છે. વનખાતાના સૂત્રોના જણાવ્યા મુજબ થોડા સમય પહેલાં પશુઓને ઝાડ સાથે બાંધી સિંહો તેનો શિકાર કરતા હોય તેવો વીડિયો વાયરલ થયા બાદ ઉચ્ચ સ્તરેથી આ ઘટનાના મુળમાં જવા આદેશ કરાયા હતા. જેના અનુસંધાને ગીરનાર રેન્જના એસીએફની તપાસમાં સોહિલ બસીરભાઈ ગરાળા નામનો શખ્સ ઝડપાઈ ગયો હતો. જેના બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા. તેની પાસેથી પશુઓ બાંધીને લાયન શો કરાતો હોવા સબબની ૧૦૦થી વધુ વીડિયો કલીપ હાથમાં આવતા વન વિભાગના અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. આ શખ્સની પુછપરછમાં જાદુગર, મુન્નાભાઈ રામભાઈ હાટી દરબાર (રે.ડેડવાણ) નામના શખ્સ સામે પણ ગુનો દાખલ થયા બાદ આશિષ ચૌહાણ, કપિલ ઈરફાન, રાહુલ, અબ્બાસી, રજાક, ડેની સહિતના શખ્સોએ ગીર જંગલના ભેંસાણ તરફ જતા રસ્તે બોર્ડ વીડી વિસ્તારમાં બામણગામ પાસેના આંબાવાડિયા નજીકની વીડી અને કડિયાધાર રેવન્યુ વિસ્તારમાં ૧૦૦થી વધુ સિંહ દર્શન મારણ મૂકીને કરાવ્યું હોવાની હકીકત બહાર આવી હતી. ઘણી વખત રાત્રે ટોળકી મોબાઈલ મેસેજ મુકાઈ જતાં અને બધા ત્યાં પહોંચી જાય અને વીડી વિસ્તારમાં રીતસરનું પાર્ટીનું આયોજન કરવામાં આવતું હોવાની વાતો પણ બહાર આવી છે. સિંહ જોવાનો શોખ પુરો કરવા માટે પર્યટકો પાંચથી દસ હજાર રૂપિયા ખર્ચવા તૈયાર રહેતા હોવાને કારણે મારણ મુકીને સિંહ બતાવવાનો જાણે ધંધો થઈ ગયો હોય તેમ મોડી રાત સુધી આવા કાર્યક્રમો થતા રહેતા હોવાની ચર્ચા ચાલી રહી છે.