(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા.૨૫
જૂનાગઢ નજીક આવેલા ભવનાથતીર્થ ક્ષેત્રમાં દીપડાના અવાર-નવાર હુમલાના બનાવો સતત વધી રહ્યા છે. જેમાં ગઈકાલે મોડીરાત્રિના એક દીપડાએ સાધુ ઉપર હુમલો છે. સાધુનું ગંભીર ઈજા થવાના કારણે મૃત્યુ થયું છે. આ બનાવની જાણ થતાં પોલીસ વિભાગ તેમજ વનવિભાગનો કાફલો બનાવના સ્થળે દોડી ગયેલ છે અને તપાસની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલ જૂનાગઢ સહિત જિલ્લાભરમાં લોકડાઉનની સ્થિતિ પ્રવર્તી રહી છે, ત્યારે તેનો ચુસ્તપણે અમલ થઈ રહ્યો છે. ભવનાથ ક્ષેત્રમાં લોકોની અવર-જવર સદંતર બંધ છે. તેવા સંજોગોમાં વન્ય પ્રાણી અને હિંસક પ્રાણી અવાર-નવાર આ ભવનાથ વિસ્તારમાં આવી ચડતા હોય છે. તાજેતરમાં જ એક સાધુ ઉપર દીપડાએ હુમલો કર્યાના બનાવ બનવા પામ્યો હતો. આ બનાવ બન્યાના થોડા દિવસમાં જ એટલે કે ગઈકાલે મોડીરાત્રિના વધુ એક હુમલાનો બનાવ બનેલ છે. જેમાં એક સાધુનું મૃત્યુ થયું છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર ભવનાથ તળેટી વિસ્તારમાં આવેલ સરકારી ડોમ નજીક સાધુ આરામ કરી રહ્યા હતા, તે દરમિયાન અચાનક ક્યાંયથી એક દીપડો આવી ચડતા સાધુને તેણે ઊઠાવી લીધો હતો અને ર૦૦ મીટર દૂર તેને ખેંચી ગયો હતો અને તેને ફાડી ખાતાં સાધુનું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગેની જાણ થતાં વનવિભાગ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચેલ છે. પ્રાથમિક વિગતો અનુસાર મૂળ પાલિતાણાના ઓમકારગીરીજી મહારાજ દીપડાનો ભોગ બન્યા હોવાનું જાણવા મળે છે. અવાર-નવાર ભવનાથ ક્ષેત્રમાં થતાં દીપડાના હુમલાથી ભયની લાગણી પ્રગટી ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સને ૧૯૮૭-૮૮ના સમયગાળા દરમિયાન પણ ભવનાથ વિસ્તારમાં એક માનવલક્ષી દીપડાએ કાળો કેર મચાવ્યો હતો અને અંદાજિત પંદરેક જેટલી વ્યક્તિઓનો ભોગ લેવાયો હતો જે તે વખતે ટાંચા સાધનોને કારણે ત્રણ માસ બાદ દીપડો પડકાયો હતો, જ્યારે હાલ વારંવાર દીપડાના હુમલાની ઘટના બની રહી છે, ત્યારે આ આદમખોર બની ગયેલા દીપડાને તાત્કાલિક અસરથી વન વિભાગ દ્વારા ઝડપી લેવા માટેની કવાયત હાથ ધરવાની માગણી અને લાગણી ઊઠવા પામી છે.