(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા.૧૮
જૂનાગઢ નજીક અકસ્માતો માટે ગોઝારા બનેલા રાજકોટ હાઈવે ઉપર સુખપુર પાસે બંધ ટ્રક પાછળ એસટી સ્લીપર કોચ અથડાઈ જતાં અકસ્માતને કારણે ફરજ ઉપરનાં કંડકટરનું મોત નિપજ્યું હતું જ્યારે ૩ મુસાફરોને નાની-મોટી ઈજાઓ થવા પામી હતી. આ ઘટનાને પગલે એસટી વિભાગીય નિયામક રણદિપસિંહવાળા તથા તેની ટીમ દ્વારા ઘટનાસ્થળે પહોંચી ઘવાયેલાઓની સારવાર તથા અન્ય મુસાફરો માટે વાહનની વ્યવસ્થા કરી હતી. ગત મોડીરાત્રે સુખપુર પાસે થયેલા અકસ્માતની પ્રાપ્ત વિગતો મુજબ નખત્રાણા-સોમનાથ રૂટની બસ જૂનાગઢ તરફ આવી રહી હતી ત્યારે સુખપુર નજીક રોડસાઈડ અંધારામાં ઊભેલા ટ્રક પાછળ એસટી સ્લીપર કોચ બસ અથડાઈ પડતાં કંડકટર સીટ ઉપર બેઠેલા ફરજ ઉપરના કંડકટર મુકેશભાઈ રમણીકભાઈ (ઉ.વ.પપ, રહે. ભૂજ)નું ગંભીર ઈજાને કારણે ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ મુસાફરોમાં રામજી ગોપાલ (ઉ.વ.૪ર, રહે. ઉમરગામ), મુંજલ રવજી (ઉ.વ.૩પ, રહે. જૂનાગઢ) તથા શરીફ તૈયબ (ઉ.વ.૩૧)ને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મોડીરાત્રિના થયેલા આ બનાવ અંગે એસટી વિભાગીય નિયામક રણદિપસિંહ વાળાએ તાત્કાલિક કામગીરી હાથ ધરી હતી. સુખપુર પાસે થયેલા આ બનાવમાં પાછળ બીજી આવી રહેલી અમદાવાદ-જૂનાગઢ રૂટની એસટી બસના મુસાફરો, કંડકટર, ડ્રાઈવરે અકસ્માતવાળી બસમાંથી લોકોને બહાર કાઢવામાં મદદ કરી હતી અને વિભાગીય નિયામક દ્વારા ઘવાયેલાઓને સિવિલમાં સારવાર માટે ખસેડાયા હતા. એસટી બસના કંડકટરનાં મોતને પગલે ટ્રક ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો આ ઘટનાને પગલે તાલુકા પોલીસે ફરાર ટ્રક ડ્રાઈવરને ઝડપી લેવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.