(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા.ર
જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર વી.જે. રાજપૂતે આજે સને ર૦૧૮-૧૯ના જૂનાગઢ મનપાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. સ્થાયી સમિતિ મારફતે જનરલ બોર્ડ સમક્ષ મંજુર કરવા માટે મૂકવામાં આવેલું કુલ બજેટ રૂા.ર૯૪.૬ર કરોડનું છે જેમાં વર્ષાંતે પુરાંત સિલિક ર૮.૬૪ લાખ દર્શાવવામાં આવી છે આ બજેટ અંગેની વિસ્તૃત વિગતો મુજબ બજેટમાં સને ર૦૧૮-૧૯ના વર્ષની તા.૧-૪-ર૦૧૮ની વર્ષ દરમિયાન રેવન્યુ ઉપજ રૂા.૯૪.૭૧ કરોડ, કેપિટલ ઉપજ રૂા.૧૯૯.૮૧ કરોડ, આવકનો કુલ અંદાજ રૂા.ર૯૪.૬ર કરોડ આકારવામાં આવેલ છે તેમજ વર્ષ દરમિયાન રેવન્યુ ખર્ચ રૂા.૯૪.પ૩ કરોડ, કેપિટલ ખર્ચ રૂા.૧૯૯.૮૦ કરોડ અને ખર્ચનો કુલ અંદાજ રૂા.ર૯૪.૩૪ કરોડ આકારવામાં આવેલ છે. જેથી વર્ષાંતે પુરાંત સિલક રૂા.ર૯.૬૪ લાખ રહેશે જ્યારે કોર્પોરેટરના હવાલે વોર્ડ દીઠ ગ્રાન્ટ રૂા.૮૦ હજારની જોગવાઈ કરવામાં આવી છે. કોર્પોરેટરોના કામો અમૃત યોજનામાં પણ હોવાથી અમૃત યોજનાના ફાળા પેટે તેની મંજુર થયેલ રકમ રૂા.૧૪૬ કરોડના ૧૦ ટકા લેખે ૧૪.૬ કરોડ અનામત રાખવાના રહેશે તથા સરકારી ગ્રાન્ટમાંથી પ ટકા લેખે પ કરોડ કન્ટીઝન્સી ખાતે જોગવાઈ રખાય છે. આ ઉપરાંત જૂનાગઢ મહાનગરના લોકોને નાગરિક સુવિધાઓ આપવી જરૂરી છે. તે જરૂરિયાતો પૂર્ણ કરવા માટે ઘરવેરા, દિવાબત્તી કર તથા પાણીવેરામાં વધારો આવશ્યક જણાય છે. જેથી પ્રજાલક્ષી કાર્યો વધુમાં વધુ થઈ શકે તે માટે ઘરવેરાના દરોમાં ફેરફાર સૂચવવામાં આવે છે. જેમાં ફેક્ટર એફ-ર અને એફ-૩માં ૦.૧૦ પૈસાનો ફેરફાર સૂચવવામાં આવે છે. ખુલ્લા પ્લોટ ઉપર ચાર્જ પ્રતિ ચો.મી.ના રૂા.રના બદલે રૂા.પ ચાર્જ વસૂલવાની ભલામણ કરવામાં આવી છે. તેમજ પાણી પુરવઠાના પ્રોજેક્ટ અંતર્ગત ઊંચી ટાંકી, ભૂગર્ભ ટાંકો, પમ્પિંગ સ્ટેશન તથા ડિસ્ટ્રીબ્યુશન લાઈન તથા રી-મોડલીંગના પ્રોજેક્ટ સહિત કુલ પર.૦૦ કરોડના ડીપીઆર તૈયાર કરવાની કાર્યવાહી પ્રગતિમાં છે જે આગામી વર્ષમાં મહ્‌દઅંશે પૂર્ણ કરવાનું આયોજન છે. ઉપરાંત ડ્રેનેજ પ્રોજેક્ટમાં ભૂગર્ભ ગટર યોજના અંતર્ગત રૂા.૬૦ કરોડની સૈદ્ધાંતિક મંજુરી મળેલ છે જે અંતર્ગત રૂા.૩૪ કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર તથા રૂા.ર૦ કરોડના ખર્ચે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા પમ્પિંગ સ્ટેશન બનાવવા અર્થે ટેન્ડરિંગ પ્રક્રિયા કરવામાં આવેલ છે. હાલ ભાવ મંજુરી અર્થે સ્થાયી સમિતિમાં દરખાસ્ત કરવામાં આવેલ છે. આગામી વર્ષમાં મહ્‌દઅંશે પ૦ ટકાથી ૬૦ ટકા કામગીરી પૂર્ણ કરવાનું આયોજન છે.
આજે યોજાયેલી જનરલ બોર્ડની બેઠકમાં મનપાના કમિશનર વી.જે. રાજપૂત, મેયર આદ્યશક્તિબેન મજમુદાર, ડે.મેયર ગિરિશભાઈ કોટેચા તેમજ સ્થાયી સમિતિના ચેરમેન નિલેશભાઈ ધુલેશિયા, કોર્પોરેટરો, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.