(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા.ર
દલિત સમાજને અન્યાય કરતા સુપ્રીમ કોર્ટના ચુકાદા માટે સમગ્ર ભારતમાં બંધના આપવામાં આવેલા એલાનના પગલે જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારો આજે બંધ રહ્યા હતા અને ધરણા, દેખાવો તેમજ આ ચુકાદાના વિરોધ સ્વરૂપે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.
જૂનાગઢ શહેરમાં ભારત બંધના એલાનને પગલે આજે જૂનાગઢ શહેરના કાળવા ચોક, દિવાન ચોક, એમ.જી.રોડ, માંગનાથ રોડ, આઝાદ ચોક, મોતીબાગ, ટીંબાવાડી, કોલેજ રોડ, બસ સ્ટેશન રોડ તેમજ શહેરના વિવિધ વિસ્તારોમાં સવારથી જ બંધ પાડવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર જિલ્લા દલિત સમાજના વિવિધ સંગઠનો દ્વારા સૂત્રોચ્ચાર, રેલી-દેખાવો, ધરણા જેવા કાર્યક્રમો પણ યોજવામાં આવી રહ્યા છે. આમ આ ચુકાદો દલિત સમાજને અન્યાય કરતા હોય વહેલી તકે ફેરવિચારણા કરવાની લાગણી અને માગણી પ્રવર્તી રહી છે. દરમ્યાન જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ દ્વારા સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં આજે ૧૧ વાગ્યે જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ધરણા કરી આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદ રિબડિયાએ જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ દ્વારા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એકટ-૧૯૮૯ને બિનઅસરકારક કરતા તેના નિર્ણયના વિરોધમાં ધરણાનો આ કાર્યક્રમ યોજાયો છે. જૂનાગઢ શહેરના વિવિધ વિસ્તારોમાં આજે મુખ્ય બજારોમાં બંધ પાળવામાં આવી રહેલ છે. આ બંધ દરમ્યાન કોઈપણ જાતના અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે જૂનાગઢ શહેર તથા જિલ્લા પોલીસ દ્વારા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.