જૂનાગઢ, તા.રર
જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા સંપન્ન થઈ છે મતદાનના દિવસે જ વહેલી સવારથી જ મેઘરાજાએ પધરામણી કરી હતી. આમ મેઘરાજા વરસી પડ્યા હતા. પરંતુ મતદારો જોઈએ તેવા વરસ્યા નહતા. ત્રણેય રાજકીય પક્ષો એ પ્રચાર જોરશોરથી કર્યો હતો. જેમાં સૌથી વધુ બીજેપીએ ઝાકમઝોળવાળો પ્રચાર કર્યો હતો. રાજકીય લોકોના પ્રચાર સાથે જૂનાગઢ જિલ્લા કલેક્ટર ડૉ.સૌરભ પારઘીના માર્ગદર્શનમાં તંત્રએ પણ મતદાન વધે તેવા ભરપુર પ્રયાસો કર્યા હતા. તેમ છતાં પ્રજામાં જે છુપો રોષ હતો તેની અસર મતદાન પ્રક્રિયા ઉપર પડી અને માત્ર સરેરાશ મતદાન ૪૯.૬૮ ટકા જેવું મતદાન નોંધાયું છે. આ ૪૯.૬૮ જેવું ઓછું મતદાન થતાં દરેક રાજકીય પક્ષો માથું ખંજવાળી રહ્યા છે કે આ ઓછા મતદાનથી કોને ફાયદો થશે અને કોને નુકસાન ? આ વખતની ચૂંટણીમાં થયેલું મતદાન જૂનાગઢ કોર્પોરેશનના ઈતિહાસમાં સૌથી ઓછું મતદાન છે. ર૦૦૯માં પ૬.ર૮ ટકા અને ર૦૧૪માં પ૪.૧૭ ટકા મતદાન થયું હતું. આમ ગત ચૂંટણી કરતાં ૪.૪૯ ટકા મતદાન ઘટી માત્ર ૪૯.૬૮ ટકાએ માંડ પહોંચ્યું હતું. ભાજપે તો પ્રચાર માટે દિગ્ગજ નેતાઓની આખી ફોજ ઉતારી હતી. કોંગ્રેસે છેલ્લે-છેલ્લે પ્રદેશના નેતાની બેઠક કરી બાદમાં ડોર ટુ ડોર સંપર્ક કર્યો હતો. જ્યારે એનસીપી દ્વારા પણ પ્રચાર અભિયાન જારી રાખવામાં આવ્યું હતું. અપક્ષો પણ વોર્ડમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને હંફાવતા હતા. તેમ છતાં કોઈપણ પક્ષ લોકોને મતદાન મથક સુધી ખેંચી લાવવામાં સફળ થયો નહતો. પ્રજામાં એક જાતનો છુપો રોષ હોય તેના કારણે પ૦.૩ર ટકા લોકો મતદાન કરવાથી અળગા રહ્યા હતા. જો કે ભાજપ-કોંગ્રેસ, એનસીપી, અપક્ષો કેટલી બાજી મારશે તેનો આવતીકાલે ફેંસલો થઈ જશે. ખાસ તો વિના વિધ્ને શાંતિપૂર્ણ માહોલમાં નાના સરખા છમકલા સિવાય પણ ચૂંટણી સંપન્ન થતાં જૂનાગઢ રેવન્યુ તથા પોલીસ તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. ૧પ૯ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થઈ ગયું છે. હવે મંગળવારે ખુલજા સીમસીમ છે ત્યારે મંગળવાર કોના માટે મંગળકારી અને કોના માટે અમંગળકારી નિવડે છે તે તો બપોર સુધીમાં જાણવા મળશે.