જૂનાગઢ,તા.ર૧
જૂનાગઢ મહાનગરપાલિકાના તંત્ર વાહકો દ્વારા નગરપાલિકાના સમયકાળના શિક્ષણ ઉપકરના બાકી લેણું દર્શાવી અને તેની કડક ઉઘરાણી કરવામાં આવતી હોવાની વિગતો બહાર આવી છે. બિલો મોકલ્યા વગર શિક્ષણ ઉપકરની વસુલાતના કૌભાંડમાં સતત વિવાદાસ્પદ રહેલી જૂનાગઢ મહાનગરપાલિકાનાં તંત્ર વાહકો સામે પ્રજામાંથી ઉગ્ર રોષ ઉઠવા પામેલ છે. શિક્ષણ ઉપકરની નગરપાલિકા સમયની બાકી લેણાની ગેરકાયદેસર ઉઘરાણી સામે ઉચ્ચ કક્ષાએ રજૂઆતો પણ કરવામાં આવી રહી છે અને જરૂર પડે કાનૂની નિષ્ણાતોના અભિપ્રાય મેળવી હાઈકોર્ટના દ્વાર ખટખટાવવામાં આવશે અને જબ્બર આંદોલન પણ કરવામાં આવે તેવા નિર્દેશો મળી રહ્યા છે.
જૂનાગઢ મહાનગરપાલિકાનું તંત્ર કાર્યરત થયા બાદ પ્રજાકીય સુવિધા પુરી પાડવામાં આ તંત્ર ઉણું ઉતર્યું છે એટલું જ નહીં પ્રજા ઉપર સતત આકરા કરબોજ નાંખવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં પુરતી સુવિધા પુરી પડાતી નથી અને કરભારણ સતત વધી રહ્યું છે. તેવામાં શિક્ષણ ઉપકરનો મુદ્દો પ્રકાશમાં આવ્યો છે. આ અંગે બહાર આવેલી સનસનીખેજ વિગત અનુસાર વર્ષ ર૦૦૬-ર૦૦૭માં કારપેટ એરિયા મુજબ વસુલાતના નિયમો મંજૂર કરી અને હાઉસટેક્ષની વસુલાત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત નગરપાલિકાના વખતના વર્ષો જૂના શિક્ષણ ઉપકરનું બાકી લેણું દર્શાવી અને કાયદા વિરૂદ્ધ કડક ઉઘરાણી કરવામાં આવી રહી છે. જેને કારણે પ્રજામાંથી ભારે અસંતોષ ફાટી નિકળ્યો છે. ઉપરાંત સમય મર્યાદા પુરી થયા બાદ અને બિલ મોકલ્યા વગર કાનૂની રીતે પણ વસુલાત થઈ શકતી નથી. છતાં મનપા તંત્ર દ્વારા આવી વસુલાતો કરવામાં આવી રહી છે. એટલું જ નહીં જે-તે અરજદારોને શિક્ષણ ઉપકર સામે અરજી કરવાની તક પણ આપવામાં આવતી નથી. વિશેષમાં શિક્ષણ ઉપકરનાં કરોડો રૂપિયા વસુલ કરવામાં આવેલ છે અને આવા પૈસા કયાં ખાતામાં જમા થયા તેની કોઈ વિગત પણ ઉપલબ્ધ કરાવાતી નથી. વિશેષમાં મળતી વિગત અનુસાર વસુલાત અંગેના પરિપત્ર પણ થયા નથી. તેમ છતાં જૂનાગઢના પ્રજાજનો પાસેથી શિક્ષણ ઉપકરના નામે વસુલાતો કરે છે ? જૂનાગઢ નગરપાલિકામાં મહાનગરપાલિકાનું શાસન શરૂ થયું તે પહેલા કોઈ પણ વ્યક્તિના જૂના શિક્ષણ ઉપકરના બિલો બાકી દેખાડીને કોઈને આપવામાં આવ્યા નથી. જેના બિલો જ અપાયાં નથી તેની ઉઘરાણી કઈ રીતે થઈ શકે ? તેવો મુદ્દો પણ ઉઠવા પામ્યો છે.
જૂનાગઢ મનપા તંત્ર દ્વારા જૂના શિક્ષણ ઉપકરની કડક ઉઘરાણી સામે લોકરોષ

Recent Comments