જૂનાગઢ, તા.૧પ
જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદના પગલે માર્કેટિંગ યાર્ડમાં આવેલી ખેડૂતોની જણસ પલળી ગઈ હોવાના અહેવાલ છે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં પણ પ૦૦ જેટલી મગફળીની ગુણો ઉપર પાણી ફરી વળ્યાં છે. ઠેર-ઠેર માર્કેટિંગ યાર્ડમાં મગફળી પલળી જવાના કારણે ખેડૂતો સાથે પડ્યાં ઉપર પાટું જેવી સ્થિતિ સર્જાયી છે.
આવા સંજોગોમાં માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં રહેલી ખેડૂતોની જણસ જો વરસાદથી પલળી જતી હોય તો તેને લઈને ખેડૂતોને વળતર ચૂકવવાની માંગણી ઉઠી છે. ખેત પેદાશો વેચાણમાં આવે ત્યારે તેની પુરતી સુરક્ષા તેમજ તેનો વિમો પણ ઉતારછો જોઈએ. આગ, અકસ્માત, વાવાઝોડું, વરસાદને કારણે ખેડૂતોની ખેતપેદાશોને જો નુકસાની પહોંચે તો તેના જવાબદાર યાર્ડનું તંત્ર ગણી શકાય અને તેને લઈને ખેડૂતોને નુકસાનીનું વળતર ચુકવવા માગણી ઉઠવા પામી છે.
જૂનાગઢ માળિયા હાટીનામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ થયો હતો. અકાળા, અમરપુર, કાત્રાસા, વીરડી ગામે ધોધમાર વરસાદ થયો છે. આ કમોસમી વરસાદ પડતા ખેડૂતોની ચિંતા વધી છે. કમોસમી વરસાદના કારણે ઘઉં, ચણાના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે જ્યારે કેશોદના ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ પડતા મગફળી, કપાસ, તલ, જુવાર સહિતના પાકને નુકસાન થયું છે. પાકને નુકસાન થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. બીજી બાજુ વહેલી સવારથી શહેરમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે.