(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા.૩
જૂનાગઢ મહાનગર વિસ્તારમાં મજેવડી દરવાજાની બહાર ગેરકાયદેસર અનઅધિકૃત દબાણ દૂર કરી રસ્તો પહોળો કરવાનું નક્કી કરેલ છે. તેના લીધે અસંખ્ય મજદૂર લોકો ઘરવિહોણા અને બેરોજગાર બનતા અખંડ ભારત મજૂર સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા જૂનાગઢ મનપાના કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
આવેદનપત્રમાં જણાવ્યા મુજબ જૂનાગઢ રાજકોટ રોડ પર પેટ્રોલપંપથી સીધું મેડિકલ કોલેજ તથા ભવનાથ ખાતે આવતા લોકોની સુવિધામાં વધારો કરવાના હેતુથી જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા જાહેર હિત માટે રોડ બનાવવાનું નક્કી કરેલ છે. તે માટે નગરપાલિકા દ્વારા જૂનાગઢની જમીન ઉપર અનઅધિકૃત દબાણ દૂર કરવા જણાવેલ છે. તેમજ આ જગ્યા ઉપર ભાજપના બે આગેવાનો દ્વારા પાર્કિંગ બનાવવા માટે આ બાંધકામ દૂર કરાવવામાં આવે છે તેવા આક્ષેપ આવેદનપત્રમાં કરાયો છે. આર્થિક રીતે આ મજદૂર સક્ષમ ન હોવાથી બીજી જગ્યાએ મકાન બાંધી આશરો પણ લઈ શકતા નથી. મજૂરોએ પોતાની વેદના કહેલ છે. જો ભવનાથ જવા માટે મજેવડી દરવાજા પાસે પુષ્કળ મેદાન અને જગ્યા છે. છતાં આ બંને ધનિક કોર્પોરેટરોને ભગવાન શિવ માટે ભવનાથ જવા માટે જો સગવડતા કરવી હોય તો સક્કરબાગથી સીધો રસ્તો ગીરનાર દરવાજા સુધી જાય છે તો તેમ કરી ગરીબોની હાય ના લો તેમ જણાવ્યું છે. જો આ બાંધકામ પાડી દેવામાં આવશે તો મજૂરો દ્વારા આત્મવિલોપનની ચીમકી પણ આપવામાં આવી છે. આ આથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો-વ્યવસ્થા ન જોખમાય તે માટે યોગ્ય રસ્તો કાઢવા અને ગરીબોના ઝૂંપડા બચાવવા લેખિત વિનંતી કરવામાં આવી છે.
જૂનાગઢ શહેરનો રસ્તો પહોળો કરવામાં ગરીબો બનશે બેઘર

Recent Comments