(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા. ર૦
જમ્મુ-કાશ્મીરના કઠુઆ અને યુપીના ઉન્નાવ સહિત દેશભરમાં વિવિધ સ્થળે બની રહેલી બળાત્કાર-યૌન ઉત્પિંડનની ઘટનાઓના વિરોધમાં આજે જૂનાગઢ શહેરમાં બંધ જાહેર કરવામાં આવ્યો હતો. જો કે આજના બંધ અંગે કોઈ સંસ્થા કે જૂથે સત્તાવાર રીતે બંધનું એલાન કર્યું નહતું, પરંતુ સોશ્યલ મીડિયા દ્વારા બંધની અપીલ થઈ હતી. જેને જૂનાગઢ શહેરમાં વ્યાપક પ્રતિસાદ મળ્યો હતો. પ્રાપ્ત અહેવાલ મુજબ જૂનાગઢ શહેરના મુખ્ય વિસ્તારોમાં બંધની સજ્જડ અસર જોવા મળી હતી. જેમાં ઝવેરી બજાર, ચિત્તાખાના ચોક, એમ.જી. રોડ, ઢાલ રોડ, દિવાન ચોક, ઝાલોરાપા રોડ, સુખનાથ ચોક વગેરે વિસ્તારોમાં બંધની સજ્જડ અસર જોવા મળી હતી અને દુકાનો, માર્કેટો સવારથી જ બંધ રહી હતી. બંધ સંપૂર્ણ શાંતિપૂર્ણ રહ્યો હતો અને અનિચ્છનીય બનાવ બન્યો નથી. પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં આવી હતી. શહેરના અન્ય વિસ્તારોમાં પણ બંધની અસર જોવા મળી હતી. આ બંધને હિંદુ-મુસ્લિમ તમામે સમર્થન કર્યું હતું. અઘોષિત રીતે આ બંધ મુસ્લિમ સમાજ પ્રેરિત હતો.