જૂનાગઢ,તા.૧
જૂનાગઢ શહેરમાં સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પોલીસે દારૂ અંગે દરોડો પાડી અને ર૦૬ બોટલ ઈંગ્લિશ દારૂ ઝડપી લીધેલ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢ જિલ્લા પોલીસવડા નિલેશ જાજડિયાની સુચના અને માર્ગદર્શન હેઠળ સી ડિવિઝન પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ ડી.કે.વાઘેલા અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે પોલીસે ગુજરાત હાઉસીંગ બોર્ડ કોલોનીમાં બિલ્ડીંગ નં.એલ ૧૦માં આવેલ બ્લોક નં.૭૭માં દારૂ અંગે દરોડો પાડતાં ઈંગ્લિશ દારૂની પેટી નંગ-૧૭ તથા છુટ્ટી બોટલ નંગ-ર મળી કુલ બોટલ નંગ-ર૦૬ જેની કિંમત રૂા.૮ર,૪૦૦નો મુદ્દામાલ જપ્ત કરેલ છે. આ દરોડા દરમ્યાન આરોપી નારણ ઉર્ફે બાલો ચનાભાઈ રાડા હાજર નહીં મળી આવેલ આ બનાવનાં અનુસંધાને હેડ કોન્સ્ટેબલ કે.એન.સોલંકીએ ફરિયાદી બની અને નારણ ઉર્ફે બાલો ચનાભાઈ રાડા વિરૂદ્ધ પ્રોહીબીશન અંતર્ગત ગુનો દાખલ કરેલ છે.
જ્યારે બીજા બનાવમાં જૂનાગઢ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ ડી.કે.વાઘેલા અને સ્ટાફ પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન મળેલી બાતમીનાં આધારે જૂનાગઢ ઈવનગર રોડ મગફળી સંશોધન કેન્દ્રની દિવાલની અંદરની જગ્યામાં દરોડો પાડતાં ઈંગ્લિશ દારૂની પેટી નંગ-ર૯ તથા છુટ્ટી બોટલ નંગ-ર૦ મળી કુલ બોટલ નંગ-૩૬૮ રૂા.૧,૪૭,ર૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે. જ્યારે આ રેઈડ દરમ્યાન રબારી કાના અમરા, રબારી મયુર, રબારી સરમણ વગેરે નાસી છુટ્યા હોય તેનાં વિરૂદ્ધ સી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં હેડ કોન્સ્ટેબલ યુ.એમ.વેગડાએ ફરિયાદી બની અને તેમાનાં વિરૂદ્ધ પ્રોહીબીશન અંતર્ગત ગુનો દાખલ કરેલ છે.