જૂનાગઢ,તા.રર
જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી મેઘરાજાનું શાહી આગમન થયું છે અને મેઘરાજાના આગમનને પગલે જનજીવન આનંદિત બની ગયું છે.
ગત શનિવારથી અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ બપોર બાદ મેઘરાજા સોરઠ પંથક ઉપર આવી પહોંચતાં જૂનાગઢ અને અન્ય વિસ્તારોમાં વરસાદના જોરદાર ઝાપટાનો દૌર શરૂ થયો હતો. આ વરસાદમાં જૂનાગઢમાં એક ઈંચ વરસાદ નોંધાયો હતો. રસ્તા ઉપર પાણી વહેવા લાગ્યા હતા અને લોકોએ પ્રથમ વરસાદની મોજ માણી હતી જો કે, આ વર્ષે વાયુ વાવાઝોડાના ભય વચ્ચે ભીમ અગિયારસ ઉપર પણ બેથી પાંચ ઈંચ જેવો વરસાદ વિવિધ વિસ્તારોમાં નોંધાયો હતો. શનિવારે જૂનાગઢ અને અન્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા બાદ રવિવારે પણ સોરઠ પંથકના જૂનાગઢમાં વિવિધ તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો.
જૂનાગઢ જિલ્લાના વિવિધ તાલુકામાં પડેલા વરસાદના આંકડા મુજબ ર૪ કલાક દરમ્યાન જૂનાગઢ ૩૦ મીમી, કેશોદમાં ર૭ મીમી, ભેંસાણમાં પર મીમી, મેંદરડા ૧પ મીમી, માંગરોળ ૧ર મીમી, માણાવદર ૧૮ મીમી, માળિયાહાટીના ૩૦ મીમી અને વંથલી ર૭ મીમી જેવો વરસાદ નોંધાયો છે.