જૂનાગઢ,તા.૧૦
જૂનાગઢની ડુંગર ઉત્તર રેન્જના પાતુરણ રાઉન્ડ અભ્યારણ્યના રસ્તા ઉપર સિંહના ગ્રુપની પજવણી કરતાં પાંચ શખ્સોને ઝડપી લઈ તેના વિરૂદ્ધ ગુનો દાખલ કરી અદાલતમાં હાજર કરાયા હતા.
આ અંગેની મળતી વિગત મુજબ જૂનાગઢ વન વિભાગની ડુંગર ઉત્તર રેન્જના પાતુરણ રાઉન્ડમાં તા.ર/૦૯/ર૦૧૯ના રોજ અજાણ્યા શખ્સો દ્વારા વાહનમાંથી નીચે ઉતરી સિંહના ગ્રુપને પજવણી કરી અને વન્ય પ્રાણી રહેણાંકમાં ખલેલ પહોંચાડવાના ફોટા તથા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયાં હતાં. તે પુરાવાના આધારે તપાસ કરાતાં તપાસ દરમ્યાન નાયબ વન સંરક ડો.એસ.કે. બોરવાલ, મદદનીશ વન સંરક્ષક બી.કે. ખટાણાના માર્ગદર્શન હેઠળ વન વિભાગના આર.એફ.ઓ.બી.એમ. આંબલિયા અને સ્ટાફે આરોપી રસીદ તૈયબ હાલા (રહે.જૂનાગઢ), શાહરૂખ હબીબ ઠેબા (રહે.મેંદપરા, તા.ભેંસાણ), નિલેશ લલીત મકવાણા (રહે.મેંદપરા), દિપક સવજી ચાવડા (રહે.જૂનાગઢ) અને જેલમસિંહ નગાજી ભાટી (રહે.પસવાડા, તા.ભેંસાણ)ને ઝડપી લઈ તેમની વિરૂદ્ધ વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કોર્ટમાં ગઈકાલે હાજર કરાયા હતા.