જૂનાગઢ, તા.રર
જૂનાગઢના બલોચવાડા વિસ્તારમાં રહેતા ૭૦ વર્ષના વૃદ્ધને જૂનાગઢ સિવિલના કોરોના વોર્ડમાં દાખલ કર્યાના માત્ર ૮ કલાકમાં તેમનું કરૂણ મૃત્યુ નિપજ્યું હતું. કોરોના વોર્ડમાં આ વૃદ્ધનું ૮ કલાકથી પણ ઓછા સમયમાં મૃત્યુ થતાં અનેક સવાલો ઊભા થયા છે. આ મૃતકના પરિવારજનોએ હોસ્પિટલ તંત્રની ગંભીર બેદરકારીનો આક્ષેપ કર્યો છે. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ બલોચવાડા વિસ્તારમાં રહેતા અમીનભાઈ હાજી અબ્દુલ ગફ્ફાર વિંછી(ઉ.વ.૭૦)ને ગઈકાલે પ.૦૦ કલાકે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને સિવિલ હોસ્પિટલના ૭મા માળે આવેલ કોવિડ વોર્ડમાં લઈ જવામાં આવ્યા હતા ત્યારે ત્યાં કોઈ ડોટકર હતા નહીં, વેન્ટીલેટર નહોતું, ઓક્સિજન પણ ન હતું. દર્દીની કોઈપણ પ્રકારની સારવાર થઈ નહીં. કોઈ દવા આપવામાં આવી નહીં અને તેનું પરિણામ એ આવ્યું કે, ૮ કલાકના ગાળામાં જ દર્દીનું મૃત્યુ થયું. આ અંગે મૃતકના પુત્ર સાજીદ વિંછીએ કહ્યું કે તેમના પિતાને સાંજે પાંચ વાગ્યે કોરોના વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા અને રાત્રે ૧૧ કલાકે બાજુના દર્દીનો ફોન આવ્યો કે તમારા પિતાની તબિયત ખરાબ છે, જલ્દી આવો, હું તુરત જ હોસ્પિટલ પહોંચ્યો પરંતુ મને કોવિડ વોર્ડમાં જવા દેવામાં આવ્યો નહીં, ફરી ૧૧.૩૦ કલાકે મારા પિતાની બાજુમાં દર્દી હતા તેનો પાછો ફોન આવ્યો કે તમારા પિતાની તબિયત ખૂબ જ ગંભીર થઈ ગઈ છે તમે જલ્દી આવો, તેથી હું ગમે તેમ કરીને હું કોવિડ વોર્ડમાં પહોંચ્યો ત્યારે મારા પિતાની હાલત ખૂબ જ નાજુક હતી ત્યારે કોઈ ડોકટર વેન્ટીલેટર કે ઓક્સિજનની સુવિધા ન હતી. મારા પિતાની કોઈ જ પ્રકારની સારવાર કરવામાં આવી ન હતી. માત્ર એક નર્સિંગ સ્ટાફ અને પટાવાળા હતા. હું મારા પિતાને સ્ટ્રેચરમાં પહેલા માળે લઈ આવ્યો તો ત્યાં પણ કોઈ ડોક્ટર હાજર ન હતા કે કોઈ સારવાર થઈ નહીં. પરિણામે મારા પિતા સારવાર વગર મૃત્યુ પામયા અને રાત્રીના ૧.૦૦ કલાક સુધી હોસ્પિટલના કોઈ જવાબદાર વ્યક્તિઓ હાજર ન હતા અને મને મારા પિતાના મૃત્યુ અંગે કોઈ માહિતી આપી ન હતી. દરમ્યાનમાં મૃતકના પરિવારજનોએ મૃતદેહને સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે અને આ લખાઈ રહ્યું છે ત્યારે આજે બપોરે ૧૧.૩૦ કલાક સુધી મૃતકના શબને હજુ અંતિમવિધિ માટે સ્વીકારવામાં નહીં આવ્યો હોવાનું જાણવા મળે છે. જ્યારે આ બાબતની જાણ થતા વોર્ડ નં.૮ના કોર્પોરેટર અશરફભાઈ નઈમ પણ હોસ્પિટલ દોડી ગયા હતા. તેમણે જણાવ્યું કે જૂનાગઢ હોસ્પિટલ દર્દીઓ માટે સારવારનું નહીં પણ મોતનું કેન્દ્ર બની ગઈ છે. અહીં કોઈ પ્રકારની સારવાર થતી જ નથી. કોરોના વોર્ડમાં તો સ્થિતિ ખૂબ જ ખરાબ છે. કોઈ ડોકટર નથી, વેન્ટીલેટર કે ઓક્સિજનની સુવિધા નથી. કોઈ સારવાર અપાતી નથી અને દર્દીનું મૃત્યુ થાય છે ત્યારે પણ કોરોનાથી મૃત્યુ થયું હોવા છતાં અન્ય બીમારી પણ હોય, અન્ય બીમારીથી મૃત્યુ થયું હોવાનું જણાવે છે આમ સિવિલ હોસ્પિટલમાં કોરોનાથી મૃતયુનો આંક છુપાવવામાં આવે છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં કોઈ ફરિયાદ સાંભળવાવાળું નથી કોઈ જવાબદાર અધિકારી હાજર હોતા નથી, આમ સિવિલ હોસ્પિટલ જવું એટલે મૃત્યુને સામે ચાલીને ભેટવા જેવું થાય છે. આ બાબતે રાજ્યના મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી અને આરોગ્ય સચિવને રજૂઆત કરવામાં આવશે તેવું જાણવા મળે છે.