ભરૂચ, તા.ર૪
જૂનો સરદારબ્રિજ ભંગાણના કારણે છેલ્લા ૧૦ મહિના ઉપરાંતથી બંધ કરાતા અને નવા સરદારબ્રિજ પર ઠેકઠેકાણે ખાંડાના પગલે બુધવારે ભરૂચ હાઈવે પર ૧૩ કિમી લાંબો ચકકાજામ થતાં હજારો વાહનચાલકો અને લોકો છેલ્લા ૧૪ કલાકથી હેરાન પરેશાન થઈ ગયા છે.
ભરૂચ નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર અજગરી ટ્રાફિકજામની સમસ્યા કેબલ બ્રિજ કાર્યરત થયાને ૪ વર્ષ વીતી જવા છતાં કાયમી હલ થવાનું નામ લેતી નથી.
જૂનો સરદાર બ્રિજ છેલ્લા ૧૦ મહિના ઉપરાંતના સમયથી ભંગાણ પડ્યા બાદ વાહન ચાલકો માટે બંધ હોય વડોદરા તરફથી સુરત જતા વાહનો માટે એક માત્ર આધાર ૨ લેનનો નવો સરદારબ્રિજ છે. ચોમાસામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ઠેર ઠેર હાઇવે અને વનવ સરદાર બ્રિજના માર્ગ પર ખાડા પડતા બુધવારથી હાઇવે પર લાંબી કતારોનો ખડકલો થઈ ગયો છે.
વડોદરાથી સુરત જવા માટે વાહન ચાલકો માટે નવા સરદારબ્રિજની માત્ર ૨ લેન હોવા સાથે માર્ગ પર અનેક ખાડા ખાબોચિયાને લઈ હાઈવેની એક તરફની લેનમાં ૨૪ કલાકમાં પસાર થતા ૨૦૦૦૦ જેટલા વાહનોની ગતિ પર બ્રેક લાગી ગઈ છે. અત્યંત બિસ્માર હાઇવે સાથે આગળ ટોલ ટેક્સ હોવાથી વાહનો પ્રતિ કલાકની માંડ ૧૦થી ૧૫ કિમીની ઝડપે પણ પસાર થઈ નહિ શકતા ભરૂચથી વાહનોની કતારો છેક ઝંઘાર સુધી ગુરૂવારે પહોંચી ગઈ હતી.
ગત ડિસેમ્બર બાદ ફરી કિલોમીટર લાંબો ચક્કાજામ સર્જાતા છેલ્લા ૧૪ કલાકથી ફસાયેલા વાહનચાલકોની હાલત કફોડી બની રહી છે. ૧૩ કિલોમીટર લાંબા ટ્રાફિકજામને પગલે હજારો માનવ કલાકો અને લાખો રૂપિયાના ઇંધણનો પણ ધૂમાડો થઈ રહ્યો છે. ટ્રાફિકજામને હલ કરવા ભરૂચ જિલ્લા પોલીસ, ટ્રાફિક પોલીસ, એન એચઆઈ, બિટીઇટીના જવાનો પ્રયાસો કરી રહ્યા છે.