અમદાવાદ, તા.૧૮
શહેરમાં લોકડાઉન હોવા છતાંય કોરોના કેસ સતત વધી રહ્યા છે. આવતીકાલથી હવે લોકડાઉનમાં છૂટછાટ અપાશે ત્યારે શું સ્થિતિ સર્જાશે તેની અત્યારથી જ અટકળો થઈ રહી છે. આ બધા વચ્ચે જૂન-જુલાઈ સુધીમાં જો કોરોના કાબૂમાં ના આવ્યો તો લોકો મોટી તકલીફમાં મૂકાઈ શકે છે. અમદાવાદમાં જૂન મહિનાના અંત સુધીમાં ચોમાસું સક્રિય થવાની સાથે જ મેલેરિયા અને ડેન્ગ્યુ પણ માથું ઊંચકતા હોય છે. હાલમાં અમદાવાદમાં કોરોના સિવાય બીજી કોઈ કામગીરી જ નથી થઈ રહી. જો મેલેરિયા માથું ઊંચકે તે પહેલાં મચ્છરો ના થાય તો કામગીરી શરૂ ના કરાઈ તો સ્થિતિ કફોડી બની શકે છે. દર વર્ષ કરતાં આ વખતે સ્થિતિ અલગ છે. કોરોનાના કારણે ડૉક્ટરો આમેય દર્દીઓની સારવાર કરતાં ડરી રહ્યા છે. ત્યારે સામાન્ય તાવ હશે તો પણ કોરોનાના ભયથી ડૉક્ટરો કોઈ ચાન્સ નહીં લે અને તેનો પણ ટેસ્ટ કરાવવા આગ્રહ કરશે જેનાથી દર્દીના મનમાં ડર પણ ઊભો થશે અને તેને કોરોનાના ટેસ્ટ કરાવવા માટે મોટો ખર્ચો કરવો પડશે. બીજી તરફ, જો ફેમિલી ફિઝિશયન દર્દીને સાદો તાવ આવ્યો છે તેમ સમજીને દવા કરે અને દર્દીને લક્ષણ વગરનો કોરોના હોય તો પણ સમસ્યા સર્જાઈ શકે છે. આમેય ઉંમરલાયક વ્યક્તિ કે કિડની, હાર્ટ કે શુગર અને બીપીની તકલીફ ધરાવતા લોકો માટે ડેન્ગ્યુ પણ ઘાતક બનતો હોય છે તેવી સ્થિતિમાં કોરોનાની મેલેરિયા અને ડેન્ગ્યુના દર્દી પર કેવી અસર થઈ શકે તેનો હજુ સુધી કોઈએ વિચાર જ નથી કર્યો. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ચોમાસુ ખેંચાયું હતું અને ડેન્ગ્યુએ રીતસરનો કહેર મચાવ્યો હતો. હોસ્પિટલો ડેન્ગ્યુના દર્દીઓથી ભરાઈ ગઈ હતી. અમદાવાદ જ નહીં, રાજ્યના અન્ય શહેરો તમજ જિલ્લામાં પણ ડેન્ગ્યુ બેકાબૂ બન્યો હતો. જેના કારણે અનેક લોકોનાં મોત પણ થયા હતા. કોરોનાથી હાલ આમેય સરકારી હોસ્પિટલો ફૂલ છે ત્યારે ડેન્ગ્યુ અને મલેરિયાનો શિકાર બનનારાને સરકારી હોસ્પિટલોમાં કઈ રીતે સારવાર મળી શકશે.