(એજન્સી) મુંબઈ,તા.૬
મુંબઈમાં જુહૂ ચોપાટીના દરિયામાં ગુરુવારે સાંજે નાહવા પડ્યા પાંચ છોકરાઓમાંથી એકનો બચાવ થયો છે અન્ય ચારના મોતની આશંકા વચ્ચે બેના મૃતદેહ મળી આવતા તેને બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે અન્ય બેની તપાસ શોધખોળ ચાલું છે. આ ઘટનાને પગલે જૂહુ બીચ પર સન્નાટો છવાઈ ગયો છે.
ફરદીન સૌદાગર (૧૭), સોહેલ શકીલ ખાન (૧૭), ફૈસલ શેખ (૧૭), નઝીર ગાઝી (૧૭) અને વસીમ સલીમ ખાન (૨૨) નામના મિત્રો દરિયામાં નાહવા પડ્યા હતા. વસીમ ખાનને દરિયાકિનારા પર હાજર લાઈફગાડ્‌ર્સે બચાવી લીધો હતો, પણ અન્ય ચાર છોકરા ભરતીને કારણે ખેંચાઈ ગયા હતા. આ પાંચેય છોકરા અંધેરી (વેસ્ટ)ના ડી.એન. નગર વિસ્તારના રહેવાસીઓ હતા.
જૂહુના ડૂબી ગયેલાઓની શોધમાં મદદરૂપ થવાની ભારતીય નૌકાદળે ઓફર કરી હતી અને તે માટે કોસ્ટગાર્ડના જવાનો મોકલ્યા હતા. કોસ્ટગાર્ડના જવાનોએ હેલિકોપ્ટરની મદદથી ડૂબી ગયેલાઓની શોધ આદરી હતી. હેલિકોપ્ટરની મદદથી બે મૃતદેહને દરિયામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને તે કૂપર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા હતા.
નઝીર ગાઝીનો મૃતદેહ ગઈ કાલે મળી આવ્યો હતો. ફૈઝલનો મૃતદેહ આજે મળી આવ્યો છે. ફરદીન અને સોહેલનો હજી પત્તો લાગ્યો નથી.
દરિયામાં ભરતી હોવા છતાં પાંચેય છોકરા જોખમ લઈને નાહવા પડ્યા હતા. પાણીના વિરાટ મોજાંઓ એમને દરિયામાં ખેંચી ગયા હતા. સદ્દનસીબે વસીમ ખાન બચી જવા પામ્યો હતો.