(એજન્સી) નવી દિલ્હી,તા.૨૦
દિલ્હીની એક કોર્ટે જેએનયુના પ્રોફેસર સુચારીતા સેન દ્વારા દાખલ કરાયેલ અરજીની તાત્કાલિક સુનાવણી કરવા ઇન્કાર કર્યું. ૫મી જાન્યુઆરીએ કેમ્પસમાં થયેલી હિંસા દરમિયાન તેના પર માસ્કવાળા ટોળા દ્વારા કરાયેલ હુમલા બદલ એફઆઈઆર નોંધવાની માંગણી કરતી અરજીની વહેલી સુનાવણી કરવા વિનંતી કરી હતી.
ફરજ પરના મેજિસ્ટ્રેટ વસુંધરા છંઉંકરે મંગળવારે પસાર કરેલા એક આદેશમાં કહ્યું છે કે, હાલની કોવિડ-૧૯ રોગચાળાને કારણે ફક્ત “તાત્કાલિક બાબતો”ની સુનાવણી હાથ ધરાય છે.
જજે જણાવ્યું હતું કે, “ફરિયાદીની અરજીની વહેલી સુનાવણી કરવાના કારણો બુદ્ધિગમ્ય હોવાનું જણાતું નથી. વધુમાં, કોવિડ-૧૯ના રોગચાળાને કારણે હાલની સ્થિતિમાં અદાલતો માત્ર તાત્કાલિક બાબતોની જ સુનાવણી કરી રહી છે. અદાલતે ઉમેર્યું હતું કે, “જો અરજી પહેલાથી પેન્ડિંગ હોય તો વહેલી સુનાવણી કરવાથી ફરિયાદીને શું લાભ થશે, તે કોર્ટની સમજથી બહાર છે.”
દિલ્હી પોલીસે તાજેતરમાં જ સ્ટેટસ રિપોર્ટ દાખલ કર્યો હતો જેમાં જણાવાયું હતું કે જેએનયુમાં ટોળાની હિંસા અંગે પહેલેથી નોંધાયેલ એફઆઈઆરની તપાસ ચાલી રહી છે અને દિલ્હી હાઈકોર્ટે તપાસ એજન્સીને આ મામલે ઝડપથી આગળ વધારવાનો નિર્દેશ આપ્યો છે.
જેએનયુના સેન્ટર ફોર સ્ટડી ઓફ રિજનલ ડેવલપમેન્ટના પ્રોફેસર સુચારીતા સેનને માથામાં ઈજાઓ પહોંચી હતી. સેને એફઆઈઆર નોંધાવવાની માંગ કરી હતી કે આ કેસમાં પુરાવા ડેટાની પ્રકૃતિમાં છે, જેમાં ચેડાં થઈ શકે છે અને આ કૃત્યને ચાર મહિના વીતી ગયા છે.
જાન્યુઆરીમાં, હુમલાને પગલે સેને સ્ટેશન હાઉસ ઓફિસર પોલીસ સ્ટેશન વસંત કુંજ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી, જેમાં ખૂનનો પ્રયાસ, તોફાન અને દુષ્કર્મ જેવા ગુના માટે એફઆઈઆર નોંધવાની માંગ કરી હતી પરંતુ પોલીસ અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી થઈ ન હતી. સુચરિતાએ એડવોકેટ એસ. પૂજારી, તારા નરુલા અને કૃતિ અવસ્થી દ્વારા ૧૩મી જાન્યુઆરીએ એફઆઈઆર નોંધવાની માંગણી સાથે કોર્ટમાં રજૂઆત કરી હતી. ત્યારબાદ પોલીસને ૨૫ માર્ચ સુધીમાં કાર્યવાહીનો અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ કોરોનાવાયરસ રોગચાળાને કારણે આ મામલો જૂન સુધી મુલતવી રાખવામાં આવ્યો હતો.