(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૧૪
સુરતમાં પ્રતિદિન કોરોનાના કેસમાં વધારો થતા વિવિધ વેપારી સંગઠનો દ્વારા સ્વૈચ્છીક લોકડાઉનનું એલાન કરવામાં આવ્યું છે. તેથી રિંગરોડ વિસ્તારની રઘુકુલ માર્કેટ કમિટીએ પણ આગામી તા.૧૯મી જુલાઇ સુધી સમગ્ર માર્કેટને સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. સાથે ત્યાર પછી પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ આગળનો નિર્ણય લેવાશે તેવી જાહેરાત કરી છે.
જ્યારે બધા ભારતીય વિપારીઓના સંઘ (કોન્ફેડેરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ)ના ગુજરાત ચેપ્ટરના પ્રેસિડેન્ટ પ્રમોદ ભગત દ્વારા હાલની મહામારીના કપરા સયમમાં પરિસ્થિતિ વધુ વણસે નહિ અને વેપારીઓ તથા કર્મચારીઓના સ્વાસ્થને નુકસાન થાય નહિ તેવા આશયથી વેપારીભાઇઓને જરૂર હોય તો જ પોતાની ઓફિસો કે દુકાનો ખાલવા અને તે પણ બપોરે બે વાગ્યા સુધીમાં બંધ કરી દેવા માટે અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત જે.જે.ટેક્સાઇલ માર્કેટ, એસટીએમ, દર્શન ટેક્ષટાઇલ માર્કેટ, એનટીએમ, સાંઇ આશારામ, અશોકા ટાવર, હરિઓમ,હીરા પન્ના, જગદંબા માર્કેટે પણ આગામી તા.૧૯મી જુલાઇ સુધી માર્કેટો બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
અત્રે નોંધનીય છે કે શહેરના રિંગરોડ વિસ્તારની વિવિધ માર્કેટોએ આજથી સ્વૈચ્છીક બંધ પાળ્યો છે. શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતા ચારે બાજુ ભયનો માહોલ છવાયેલો છે. દરમિયાન સુરત શહેરના ટેક્સટાઈલ્સ માર્કેટના વેપારીઓ દ્વારા આજથી આવતા રવિવાર સુધી ટેક્ષ્ટાઈલ્સ માર્કેટો સ્વૈચ્છીક રીતે બંધ રાખવામાં આવી છે. આજ રીતે વરાછાના ચોકસીબજાર તેમજ માનગઢ ચોકના વોલ્ટ દ્વારા તા.૧૯’મી સુધી સ્વૈચ્છીક બંધની જાહેરાત કરાઈ છે. દરમિયાન સુરતના હીરા બજારો નિયમો પાળવા સાથે તા.૧૦ જુલાઈથી શરૂ થઈ ગયા છે. અલબત્ત કોરોના વાયરસના ભયના કારણે સુરતના ત્રણેય હીરા બજારોમાં દલાલો અને વેપારીઓની નજીવી હાજરીને કારણે હીરા બજારમાં પણ સુષ્ક માહોલ છે. જ્યારે આજથી પુનઃ શરૂ થયેલા હીરાના કારખાનાઓમાં પણ કોરોનાના ભયના કારણે લગભગ નાના હીરાના કારખાના આજથી શરૂ થઈ શક્યા નથી. જ્યારે કેટલાક મોટા યુનિટો કાર્યરત થયા હોવાના અહેવાલો સાંપડે છે. ૧૫ દિવસ પૂર્વે સુરત મહાનગરપાલિકા દ્વારા હીરાના કારખાના બંધ કરાવી દેવાતા હજારો બેકાર બની ગયેલા રત્નકલાકારો વતન ઉપડી ગયા છે અને સુરતમાં કોરોનાના કેસમાં સતત વધારો થતા વતન ઉપડી ગયેલા હીરાના કારીગરો હાલ પરત આવે તેવી કોઈ સંભાવના નથી તેથી હીરાના કારખાના શરૂ કરાયા હોવા છતા બંધ જેવી સ્થિતિ યથાવત રહેવા પામી છે. ટેક્સટાઈલ્સ માર્કેટો અંગે ફોસ્ટાએ જરૂરીયાત હોય તોજ માર્કેટો ચાલુ રાખવા અપીલ કરી છે અને નિયમોનું કડક પાલન કરવાની પણ અપીલ કરી છે. કોરોના વાયરસના વધતા કેસ અંગે સુરત મહાનગરપાલિકાએ વેપારીઓ માટે બનાવેલા કડક નિયમોનો અમલ કરવા મુશ્કેલ બનતા કેટલાક વેપારીઓએ દંડમાંથી બચવા દુકાનો તથા વેપાર બંધ રાખ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.