(એજન્સી) નવી દિલ્હી, તા.૨૮
કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ આપના નેતા અને કવિ કુમાર વિશ્વાસ પર કરેલો માનહાનીનો કેસ પાછો ખેંચ્યો છે. આ સાથે જ ઘણા મહિનાઓથી ચાલી રહેલા આ મામલાનો અંત પણ આવી ગયો છે. જણાવી દઈએ કે કેટલાક દિવસ પહેલાંં વિશ્વાસે અરૂણ જેટલીને પત્ર લખીને સમગ્ર મામલે પોતાનો પક્ષ સ્પષ્ટ કરતા દુઃખ વ્યક્ત કર્યું હતું. આ પત્રના આધાર પર જ અરૂણ જેટલીએ આ કેસ પાછો ખેંચ્યો છે. કુમાર વિશ્વાસે અરૂણ જેટલીને પત્ર લખીને પોતાના નિવેદનો માટે માફી માંગી છે અને માનહાની કેસ પાછો ખેંચવા અપીલ કરી હતી. નાણામંત્રીના વકીલે કહ્યું કે, અમે કુમાર વિશ્વાસના પત્રને સ્વીકાર કરી લીધો છે. વિશ્વાસે પત્રમાં લખ્યું કે, પોતાની પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના કહેવા પર તેમણે, પાર્ટીના અન્ય કાર્યકર્તાઓ અને પ્રવક્તાઓએ તેમની વાતનું પુનરાવર્તન કર્યું હતું. પત્રમાં વિશ્વાસે આરોપ લગાવ્યો કે, હવે અરવિંદ કેજરીવાલ તેમના સંપર્કમાં નથી અને જુઠ્ઠુ બોલીને પોતે ગાયબ થઈ ગયા છે. વિશ્વાસે પત્રમાં અરવિંદ કેજરીવાલ વિરૂદ્ધ ખૂબ જ કડવી વાતો લખી હતી. જેટલીને લખવામાં આવેલા પત્રમાં વિશ્વાસે કેજરીવાલ માટે કહ્યુ કે ‘અરવિંદ આદતોથી જુઠ્ઠા છે અને પાર્ટીના કાર્યકર્તા હોવાના કારણે મે ફક્ત અરવિંદની વાત પુનરાવર્તિત કરી હતી.’ જણાવી દઈએ માનહાની કેસમાં અરવિંદ કેજરીવાલ સમેત અન્ય આરોપીઓ દ્વારા માફી માંગી લીધા બાદ વિશ્વાસ આ મામલે એકલા રહી ગયા હતા. આ પત્રમાં વિશ્વાસે સ્પષ્ટ કર્યું છે કે, કેવી રીતે અરવિંદ કેજરીવાલે તેમને, પાર્ટી કાર્યકર્તાઓ અને દેશને વિશ્વાસઘાતમાં રાખીને કેટલીક કથીત સાબીતીઓનો આધાર આપતા જેટલી પર આરોપ લગાવ્યો હતો. વિશ્વાસની ચિઠ્ઠીના આધારે અરૂણ જેટલીએ આ માનહાનિ કેસ પાછો ખેંચ્યો છે.
જેટલીએ માનહાનિ કેસ મામલે કુમાર વિશ્વાસને કર્યો માફ

Recent Comments