(એજન્સી) નવી દિલ્હી,તા.૧
રાજધાની દિલ્હીમાં ગુરૂવારે યુનિયન બજેટ રજૂ કરવામાં આવ્યું. કઈ વસ્તુ સસ્તી થશે અને કઈ વસ્તુ મોંઘી એ બાબત પર તમામની નજર આ બજેટ પર મંડાયેલી હતી. મોબાઈલ ઈલેકટ્રોનિક જેવા સામાન પર ટેકસ વધ્યો, ખાણી-પીણીની ચીજ-વસ્તુઓ મોંઘી બની ત્યાં મહિલાઓના ઉપયોગમાં લેવાતી મોટાભાગની વસ્તુઓના ભાવ વધારી દેવામાં આવ્યા છે. જીએસટી પછી નાણામંત્રી અરૂણ જેટલીએ ભારતનું આ પ્રથમ બજેટ રજૂ કર્યું જેમાં મહિલાઓના વપરાશનો સામાન મોંઘો બન્યો છે. બજેટમાં પાવડર, સનસ્ક્રીન, મેનીકયોર -પેડીકયોર, ડિયોડ્રન્ટ, જેવી કોસ્મેટિક વસ્તુઓ, પરફયુમ, સોના-ચાંદીના આભૂષણ, સ્માર્ટ ઘડિયાળ, પગરખાં, સ્નાનનો સામાન, રેશ્મી કાપડ જેવી મહિલા ઉપયોગી વસ્તુઓમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બજેટમાં કાર, મોટર બાઈક, ફર્નિચર, વિદેશી મોબાઈલ અને લેપટોપ, બસોના ટાયર, એલસીડી, એલઈડી, ઓએલઈડી, ઈલેકટ્રોનિકસ, ફુડ પ્રોસેસર, આઉટડોર રમતના સાધનો, સિગારેટ અને લાઈટર જેવી વસ્તુઓ પણ મોંઘી બની છે. ખાસ કરીને મોદી સરકારના બજેટમાં મહિલાઓની ઉપયોગી ચીજવસ્તુઓમાં ભાવ ઝિંકી દેવાતા મહિલાઓ માટે આ બજેટ ઠેંગા સમાન રહ્યો હતો. જેટલીની પોટલીમાંથી મહિલાઓ માટેની તપાસ વપરાશની વસ્તુઓ મોંઘી કરી દેવાતા મહિલાઓને કોઈ રાહત મળી નથી.