(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૧૮,
જેતલપુર રોડ પર આવેલ ઇન્ડીયા બુલ્સ મોલના બેઝમેન્ટમાંથી વિદેશી દારૂ ભરેલી બે કાર સાથે એક વ્યકિતને રૂા.૧૦.૭૫ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો. જ્યારે બે વ્યકિતઓને વોન્ટેડ જાહેર કરાયા હતા. બીજા બનાવમાં નવાપુરા જયરત્ન બિલ્ડીંગ ચાર રસ્તા પાસેથી કારમાંથી બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂા.૬.૨૭ લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાર ચાલકની ધરપકડ કરી હતી અને ત્રણ શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
પ્રાપ્ત થતી વિગત અનુસાર ગોત્રી પોલીસને બાતમી મળી હતી કે જેતલપુર રોડ પર આવેલ ઇન્ડીયા બુલ્સના બેઝમેન્ટમાં વિદેશી દારૂનું કટીંગ કરવામાં આવી રહ્યું છે. જેના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી બે વિદેશી દારૂ ભરેલી કાર તથા એક એકિટવા સાથે એક યુવકને ઝડપી પાડયો હતો. યુવકની પૂછપરછ કરતા તેણે મચ્છીપીઠમાં રહેતો શાહરૂખ પઠાણ હોવાનું જણાવ્યું હતું. કારની તલાશી લેતા તેમાંથી રૂા.૩ લાખ ઉપરાંતનો વિદેશી દારૂ ઝડપી પાડયો હતો. શાહરૂખની પુછપરછમાં અકોટામાં રહેતા જીનાફ શેખ અને શોએબ ઉર્ફે મગરનું નામ ખુલતા પોલીસે તેઓને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.
બીજા બનાવમાં નવાપુરા પોલીસ જયરત્ન બિલ્ડીંગ ચાર રસ્તા પાસેથી એક કારની તલાસી લેતા કારમાંથી વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીનનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસની પુછપરછમાં આ દારૂનો જથ્થો દશરથ ગોવિંદભાઇ કહાર (રહે. નવાપુરા) પાસેથી લાવ્યો હોવાની વિગતો સપાટી પર આવી હતી. આ શરાબની હેરાફેરીમાં અલ્પુ સિંધી તેમજ પ્રશાંત નામનાં શખ્સોની પણ સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે કાર અને દારૂનો જથ્થો મળી રૂા.૬.૨૭ લાખનો મુદ્દામાલ કબ્જે લઇ કાર ચાલકકમ કેરીયર વિક્રમ ધનજીભાઇ મકવાણાની ધરપકડ કરી હતી.