(એજન્સી) નવી દિલ્હી, તા.૩૧
સુપ્રીમકોર્ટે કેન્દ્ર સરકારને જણાવ્યું છે કે ૬પ વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો જે છેલ્લા પાંચ વર્ષથી સતત હજ યાત્રા માટે અરજી કરી રહ્યા છે પણ હજુ સુધી એમને હજ યાત્રાની તક અપાઈ નથી એ બધી વ્યક્તિઓની વિગતો અને આંકડાઓ અમને જણાવો. હજયાત્રા માટેની પસંદગી ડ્રો દ્વારા કરવામાં આવે છે.
કેરળ હજ કમિટી તરફે હાજર રહેલ વકીલોએ સરકારી નવી હજ નીતિ સામે પ્રશ્ન કર્યો છે જે જૂની હજ નીતિના સ્થાને મૂકાઈ છે. એમણે માગણી કરી કે જૂની નીતિની જોગવાઈનો અમલ ચાલુ રાખવામાં આવે. જૂની હજ નીતિમાં જોગવાઈ હતી કે જો કોઈ વ્યક્તિ સતત ચાર વખત હજ યાત્રા માટે અરજી કરે અને એનો વારો લોટ પદ્ધતિમાં નહીં આવે તો એ આપમેળે જ હજયાત્રા માટે મંજૂરી મેળવશે.
સરકાર તરફથી રજૂઆત કરતા વકીલ પિંકી આનંદે કોર્ટ સમક્ષ નવી હજ નીતિની વિગતો રજૂ કરી હતી. એમણે કહ્યું કે, અરજદાર એ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા છે કે, કઈ રીતે એમની સામે બંધારણના અનુચ્છેદનો ભંગ થઈ રહ્યો છે.
અરજદાર તરફથી વકીલે જણાવ્યું કે, ર૦૧રના વર્ષમાં સુપ્રીમકોર્ટે કેન્દ્ર સરકારની હજ નીતિ મંજૂર કરી હતી જે મુજબ ૭પ ટકા કવોટા રાજ્ય સરકારને અને રપ ટકા ખાનગી ટૂર ઓપરેટરોને અપાઈ હતી. હજ કમિટીઓ ર લાખ રૂપિયા લે છે જ્યારે ખાનગી ઓપરેટરો ૪ લાખ વસૂલે છે.
અરજદારે જણાવ્યું કે, અમને ૪.૪૮ લાખ લોકોની અરજીઓ હજ યાત્રા માટે મળી છે પણ અમે ફકત ૧.ર૩ લાખ લોકોને જ મંજૂરી આપી શકીશું કારણ કે અમારા રાજ્યની કવોટામાં ઘટાડો કરાયો છે. કેન્દ્ર સરકારે મનસ્વી રીતે અમારો કવોટા ઘટાડ્યો છે. જેથી હજ યાત્રિકોને ખાનગી ટૂર ઓપરેટરો દ્વારા જવું પડશે.
કેન્દ્ર સરકારે હજ કવોટા વહેંચણી દરમિયાન સમતોલન જાળવ્યું નથી. એવા ઘણા રાજ્યો છે જેમને વધુ કવોટા અપાયા છે. પણ એમની યાત્રા કરવાની અરજીઓ ઓછી છે. અરજદારના વકીલે જૂની નીતિની જોગવાઈને પુનઃ લાગુ કરવા માગણી કરી જે મુજબ ચાર વખત અરજી કરનારને સ્વમેળે મંજૂરી મળી જાય.
બેંચે સરકારી વકીલને આ મુદ્દે જવાબ રજૂ કરવા જણાવી આગામી સુનાવણી ૧૯મી ફેબ્રુઆરી રાખી છે.