નવીદિલ્હી,તા.૯
શ્રીનગરની સેન્ટ્રલ જેલમાંથી પાકિસ્તાની ત્રાસવાદી ફરાર થઇ ગયા બાદ આ બાબતને કેન્દ્ર સરકારે ખુબ જ ગંભીરતાથી લીધી છે. કેન્દ્ર સરકારે જેલની સુરક્ષા વ્યવસ્થાને ખુબ જ મજબૂત કરવા માટે જમ્મુ કાશ્મીર સરકારને સ્પષ્ટ આદેશ કરી દીધો છે. સાથે સાથે એમ પણ કહ્યું છે કે, કેદીઓને તપાસ માટે લઇ જતી વેળા સુરક્ષા પાસાઓની વધુ કાળજી રાખવામાં આવશે. આ ઉપરાંત જેલોની સુરક્ષામાં સીઆરપીએફના જવાન ગોઠવવા માટે પણ કહેવામાં આવ્યું છે. જમ્મુ કાશ્મીર સરકારને આ સંદર્ભમાં કેન્દ્ર સરકારે જોરદાર ફટકો આપ્યો છે. જેલની સુરક્ષા વધુ મજબૂત કરવા માટે કહેવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી મહેબુબા સરકારને સલાહ આપવામાં આવી છે કે, ભવિષ્યમાં આ પ્રકારની ઘટના બીજી વખત બનવી જોઇએ નહીં. જેલોની સુરક્ષા માટે સીઆરપીએફના જવાન ગોઠવવા માટે કહેવામાં આવ્યું છે. સરકારને એમ પણ કહેવામાં આવ્યું છે કે, જેલમાં રહેલા ત્રાસવાદીઓ ઉપર પણ નજર રાખવામાં આવે.શ્રીનગરની જેલમાં ૧૬ પાકિસ્તાની કેદીઓ રહેલા છે. આમાથી સાતને જમ્મુમાં શિફ્ટ કરવામાં આવનાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં કાશ્મીરના પાટનગર શ્રીનગરના શ્રીમહારાજા હરિસિંહ હોસ્પિટલની અંદર લશ્કરે તોઇબાના ત્રાસવાદીઓએ ભીષણ હુમલો કરીને એક પાકિસ્તાની ત્રાસવાદી અબુ હંજૂલા ઉર્ફે નાવિદ જટને છોડાવી લેવામાં સફળતા મેળવી હતી. આના કારણે ભારતીય સુરક્ષા તંત્રની પ્રતિષ્ઠાને મોટો ફટકો પડ્યો હતો. આ હુમલામાં બે પોલીસ જવાન શહીદ થયા હતા. લશ્કરના પાકિસ્તાની ત્રાસવાદી નાવિદ જટને વર્ષ ૨૦૧૪માં દક્ષિણ કાશ્મીરના પુલગામમાંથી પકડી પાડવામાં આવ્યો હતો. તે ત્રાસવાદી શ્રીનગર સેન્ટ્રલ જેલમાં હતો. પોલીસ કર્મી પાકિસ્તાની ત્રાસવાદી નાવિદને તપાસ માટે હોસ્પિટલ લઇને આવ્યા હતા. તેજ ગાળા દરમિયાન તોઇબાના આતંકવાદીઓએ હુમલો કરી દીધો હતો. હોસ્પિટલમાં ત્રાસવાદી હુમલા દરમિયાન હુમલાખોરોની સાથે બચી ગયેલો ત્રાસવાદી નાવિદ ફરાર થવામાં સફળ રહ્યો હતો. હુમલા દરમિયાન હોસ્પિટલની બહાર ભારે અંધાધૂંધી જોવા મળી હતી. કાકાસરાય વિસ્તારમાં હોસ્પિટલની બહાર જટ ઉર્ફે અબુ હંજલાને લઇ જતી પોલીસ ટુકડી ઉપર ગોળીબાર કરવામાં આવ્યો હતો. જમ્મુ કાશ્મીરમાં જેલમાંથી નવિદ ફરાર થયા બાદ તેની શોધખોળ ચાલી રહી છે.