(એજન્સી) તા.૨૩
૧૧ ઓગસ્ટ ૨૦૧૭ના રોજ ગોરખપુરની ડીઆરડી હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવને કારણે કેટલાય બાળકોનાં મોત થયા હતા. આ દુર્ઘટનાની તપાસ માટે રચવામાં આવેલી સમિતિએ ડો. કફીલખાન સહિત ૯ લોકોને જવાબદાર ઠરાવ્યા હતા. ડો.કફીલખાન છેલ્લા ૮ મહિનાથી જેલમાં છે અને હજુ સુધી તેમને જામીન મળ્યા નથી. તાજેતરમાં ડો.કફીલખાનના પરિવારે એક પત્ર રજૂ કર્યો છે જે કાફિલખાને ૧૮ એપ્રિલના રોજ જેલમાંથી લખ્યો હતો. અત્રે આ પત્રના કેટલાક મુખ્ય અંશો પ્રસ્તુત છે. ગોરપુરની જેલમાંથી ડો.કફીલખાને લખ્યું છે કે ૮ મહિનાથી જેલમાં યાતના, અપમાન બાદ પણ આજે બધુ મારી યાદમાં જીવંત છે. ક્યારેક ક્યારેક હું મારી જાતને સવાલ પૂછું છું કે શું હું ખરેખર દોષિત છું ? તો હૃદયના ઉંડાણેથી જવાબ મળે છે ના, ના, ના. ૧૦ ઓગસ્ટના રોજ વોટ્‌સએપ પર જ્યારે મને સમાચાર મળ્યા ત્યારે એક ડોક્ટર, એક પિતા અને દેશના એક જવાબદાર નાગરિક તરીકે મારે જે કરવું જોઇએ તે બધુ કર્યુ હતું. મેં તમામ બાળકોને બચાવવાની કોશિશ કરી હતી જેઓ ઓક્સિજનના અભાવે ખતરામાં હતા. જો કે ૧૩ ઓગસ્ટે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે હોસ્પિટલની મુલાકાત લીધા બાદ મારી જીંદગી ઊંધી ચત્તિ થઇ ગઇ. યોગીની મુલાકાતના બે સપ્તાહ બાદ ડો.કફીલખાનની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારથી તેઓ જેલમાં છે. મેં બધાને કોલ કર્યો હતો, વિનંતી કરી હતી, જાતે ડ્રાઇવ કરીને ઓક્સિજનનો ઓર્ડર આપ્યો હતો. મેં મારાથી બનતું બધું કર્યુ હતું. મેં એવા લોકોને કેશ આપી હતી અને જણાવ્યું હતું કે સિલિન્ડર ડિલીવર થયા બાદ બાકીનું પેમેન્ટ થઇ જશે. આ રીતે અમે ૨૫૦ સિલિન્ડર એકત્ર કરાવામાં સફળ રહ્યા હતા.એટલુ જ નહીં હુ ડીઆઇજીને પણ રુબરુ મળ્યો હતો અને તેમના તરફથી પણ તુરત સહાય મળી હતી. મેં મારા જુનિયર અને સિનિયર ડોક્ટરો સાથે વાત કરી હતી અને સ્ટાફને પેનિક નહીં થવા કહ્યું હતું. નારાજ પરિવારોને ગુસ્સો નહીં કરવા અને બધાની જીંદગી બચાવવા એક ટીમ તરીકે કામ કર્યુ હતું. પોલીસ અમારા ઘરે આવવા લાગી હતી ટોર્ચર સાથે અમારા પરિવારને પણ ધમકી આપવા લાગી હતી. વિડંબના એ વાતની છે કે પુષ્પા સેલ્સ દ્વારા ૪૮ લાખની લેણી રકમનું પેમેન્ટ કરવા માટે ૧૪ રીમાઇન્ડર લખવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આ ઉચ્ચસ્તરે વહીવટી સ્તરની એક મોટી નિષ્ફળતા છે. અમને લોકોને બલિના બકરા બનાવવામાં આવ્યા છે અને અમને લોકોને જેલમાં ધકેલી દેવાયા છે કે જેથી સચ્ચાઇ ગોરખપુર જેલમાં જ રહી જાય. જ્યારે મનિષને જામીન આપવામાં આવ્યા ત્યારે અમને લાગ્યું કે અમને ન્યાય મળશે અને અમે પણ પરિવારની સાથે રહી સેવા કરી શકીશું પરંતુ અમે લોકો તેની રાહ જ જોતા રહ્યા. હું આશા રાખું કે હવે સમય આવ્યે હું ફ્રી થઇ જાઉ અને મારી પુત્રી અને પરિવાર સાથે રહેવા લાગુ, ન્યાય ચોક્કસ મળશે.
એક નિઃસહાય ભાંગી પડેલા હૃદય ધરાવતા પિતા, પતિ, ભાઇ, પુત્ર અને મિત્ર.