(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૨૧
કોરોનાના સંકટ કાળમાં જેલમાં બંધ કેદીઓના ગુનાની ગંભીરતાને જોઈને તેમને વચગાળાના જામીન કે પેરોલ પર છોડવા અંગેના સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ રાજ્યમાં ગઠિત હાઈપાવર કમિટીએ કેદીઓનું વર્ગીકરણ કર્યું છે. તેની સામે હાઇકોર્ટમાં ગ્લોબલ હ્યુમન રાઇટ્‌સ પ્રોટેક્શન કાઉન્સિલ નામની એનજીઓએ હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી ફાઇલ કરી છે. આ અરજી પરની સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.
અરજીમાં અરજદારની રજૂઆત છે કે, સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ કોરોનાના સંકટ કાળમાં જેલમાં બંધ કેદીઓને વચગાળાના જામીન કે પેરોલ પર છોડવા માટે રાજ્યમાં ગત હાઈપાવર કમિટીએ કેદીઓ અંગે વર્ગીકરણ કર્યું છે. જેમાં મહિલાઓ કે સગીર સામેના ગુન્હાઓ મનીલોન્ડરિંગ અને અન્ય ખાસ કાયદા હેઠળ નોંધાયેલા ગુનાઓ કે જેમાં સાત વર્ષ સુધી કે તેથી ઓછી સજાની જોગવાઈ છે, તેવા કેસના આરોપીઓને જેલમાંથી ન છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાઈ પાવર કમિટીએ આરોપીઓની ગંભીર બીમારીઓને પણ ધ્યાન પર લીધી નથી. આ ઉપરાંત, અન્ડર ટ્રાયલ રિવ્યૂ કમિટીએ દર સપ્તાહે બેઠક કરીને આવા કેદીઓને વચગાળાના જામીન કે પેરોલ પર છોડવા અંગે જેલમાં અરજી કરવાની હોય છે. જોકે અંડર ટ્રાયલ રિવ્યુ કમિટીની બેઠક જ મળતી નથી.જેલમાં કેદીઓની સંખ્યા વધારે હોવાથી કોરોનાનો ચેપ લાગવાની સંભાવનાનો ડર સતત રહ્યાં કરે છે. અરજદારની માગ છે કે હાઇપાવર કમિટી ના કેદીઓ અંગેના વર્ગીકરણ મુદ્દે ફરી વિચારણા કરવામાં આવે અને તેમને વચગાળાના જામીન કે પેરોલ પર છોડવામાં આવે. આ ઉપરાંત, અંદર ટ્રાયલ રિવ્યુ કમિટીની બેઠક પણ દર સપ્તાહે મળવી જોઈએ.