વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા જયઅંબે નગરમાં પુત્રએ માતાની ઘાતકી હત્યા કરી લાશને સળગાવી નાખવાનો પ્રયાસ કર્યો હતો. તસવીરમાં હાથ જોડી ઉભેલ હત્યારો પુત્ર દિવ્યેશ બારીયા દ્રશ્યમાન થાય છે.

(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૯
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા જયઅંબે નગરમાં પુત્રએ માતાની ઘાતકી હત્યા કરી લાશને સળગાવી નાખવાનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. ગોત્રી પોલીસે આરોપી પુત્રની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.હત્યા કર્યા બાદ પુત્ર માતા ની લાશ પાસે હાથ જોડી ને ઉભો રહ્યો હતો.
મળતી વિગતો અનુસાર , ગોત્રી વિસ્તારના અંબિકા નગરની પાછળ આવેલ જય અંબે નગરમાં માતા – પુત્ર એકલા રહેતા હતા. ૨૭ વર્ષીય પુત્ર દિવ્યેશ સરદારસિંહ બારીયા છૂટક ડ્રાઇવિંગ કરતો હતો અને ૫૦ વર્ષીય માતા ભીખીબેન બારીયા ઘરકામ કરતા હતા. ગઈકાલે રાત્રે માતા અને પુત્ર વચ્ચે કોઈક કારણોસર માથાકૂટ થતાં ઉશ્કેરાયેલા પુત્રએ માતાના પેટમાં કાંચનો ટુકડો હુલાવી દેતા માતાનું કમકમાટીભર્યું મોત નીપજયું હતું.
ત્યારબાદ ઘટના પાછળ ઢાંકપિછોડો કરવા પુત્રે ઘરના પાછળના ભાગે માતાની લાશને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. બનાવની જાણ થતાં સ્થાનિકો એકત્ર થયા હતા અને ગોત્રી પોલીસ મથકના કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે આરોપી પુત્ર ની અટકાયત કરી તલસ્પર્શી તપાસ આરંભી હતી.બનાવને પગલે સ્થળ પર વિસ્તાર ના લોકટોળા એકઠા થઇ ગયા હતા.